ગીરસોમનાથ: મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ શુક્રવારે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઇને તાગ મેળવ્યો હતો. સીએમ રૂપાણીએ યોજેલી આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર, રેન્જ DIG, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યપ્રધાને કોરોનાના વધતા કેસો અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી આરોગ્ય સેવામાં કોઇ કચાશ ન રહે તેની તકેદારી લેવા જણાવ્યું હતું. ગીરસોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 136 કોરોનાના કેસ નોંધાયા છે. જે પૈકી અન્ય જિલ્લાનાં 28, ગીર-સોમનાથના 108 કેસ છે. જેમાંથી ગીર-સોમનાથના 65 અને અન્ય જિલ્લાનાં 13 દર્દીઓ એમ કુલ 78 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ એકટીવ કેસ 53 છે. તેવી વિગતો જિલ્લા કલેકટર દ્વારા મુખ્યપ્રધાનને આપવામાં આવી હતી.
સીએમ વિજય રૂપાણીએ અધિકારીઓની બેઠક બાદ સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ પ્રધાન જશા બારડ, રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશી જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરી ઠકરાર પાસેથી પણ જિલ્લાની વિગતો મેળવી હતી.