- કુદરતી આપત્તિના સમયમાં સરકાર ખેડૂતોની સાથે છે : કૃષિપ્રધાન ફળદુ
- ખેતીવાડી અધિકારી એસ.બી.વાઘમશી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
- ઉના, ગીરગઢડા અને તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી
ગીર-સોમનાથઃ રાજ્યના કૃષિપ્રધાન ફળદુએ શનિવારે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા ઉના, ગીરગઢડા અને તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં કૃષિપ્રધાન ફળદુએ ઉના, ગીરગઢડા અને આકોલવાડી વિસ્તારોમાં વાવાઝોડાથી આંબા, નાળિયેરી સહિતના અન્ય બાગાયતી પાકો અને ખેતીવાડી વિસ્તારના પાકોમાં થયેલા નુક્સાન અંગેની માહિતી મેળવી હતી.
આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં તૌકતેએ કર્યું પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ
કૃષિ ક્ષેત્રે થયેલા નુક્સાન અંગેના તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે
કૃષિ વિસ્તારોમાં થયેલા નુક્સાન અંગે ખેડૂતો સાથે સંવાદ કરીને કૃષિપ્રધાને કહ્યું કે, આપત્તિના સમયમાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ ક્ષેત્રે થયેલા નુક્સાન અંગેના તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે અને તાત્કાલિક સર્વે કરીને નિયમાનુસાર સહાય માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી
અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ વિસ્તારની મુલાકાત લઇ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, ગ્રામજનો સાથે પણ સંવાદ કરીને ખેડૂતો તેમજ ગ્રામજનોને થયેલા નુક્સાન અંગે મદદની કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પણ વાંચોઃ નવસારીના વાડા ગામમાં વાવાઝોડાથી કેરીના પાકને થયુ મોટું નુકસાન
રાહત બચાવની કામગીરી વિવિધ ટીમો બનાવીને કરવામાં આવી રહી છે
સોમનાથ જિલ્લામાં યુદ્ધના ધોરણે સર્વેની અને રાહત બચાવની કામગીરી વિવિધ ટીમો બનાવીને કરવામાં આવી રહી છે અને પ્રધાન ફળદુની સાથે ખેતીવાડી અધિકારી એસ.બી.વાઘમશી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.