ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય કેબિનેટમાં મહિલા અનામત બિલને મંજૂરી બાદ મહિલાઓના 33 ટકા અનામત માટેનું બિલ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. નિયમો પ્રમાણે દેશના તમામ રાજ્યની વિધાનસભા ગૃહમાં તમામ રાજ્ય સરકારોએ બિલ પસાર કરવું પડશે. ત્યારે હાલમાં ગુજરાતમાં ફક્ત 15 જ મહિલા ધારાસભ્યો છે. મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદની બિલની ભવિષ્યમાં શું અસરો પડશે. આ બાબતે ETV ભારતે ગુજરાતના મહિલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણવા ટેલિફોનિક વાતચીત કરી હતી.
![કોંગ્રેસે બિલને મંજૂરી ન આપી - પાયલ કુકરાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2023/gj-gnr-11-mahila-reservation-photo-story-7204846_20092023151120_2009f_1695202880_325.jpg)
કોંગ્રેસે બિલને મંજૂરી ન આપી: કેન્દ્ર સરકાર દ્વારા મહિલા 33% અનામતના બિલ બાબતે નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કેકેન્દ્રમાં જ ભાજપ સરકાર આવી છે ત્યારે મહિલાઓને ખૂબ જ માન સન્માન પ્રાપ્ત થયું છે. આ બિલની શરૂઆત અટલ બિહારી બાજપાઈ સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ જે તે સમયે કોંગ્રેસ પક્ષે આ બિલને મંજૂરી આપી ન હતી. હવે ફરીથી ભાજપ સરકાર સત્તા ઉપર છે ત્યારે લોકસભામાં બિલ આવી રહ્યું છે. મહિલાઓને જે ચાન્સ મળવા જોઈતા હતા તે હવે ખરેખર મળશે. એક ઘરમાંથી એક મહિલા શિક્ષિત હોય તો આખું ઘર શિક્ષિત બને છે તેવી જ રીતે આ બિલથી મહિલાઓ ખૂબ આગળ વધશે.
![મહિલા અનામતનો લાભ તમામ સમાજને મળશે: ધારાસભ્ય રીટાબેન પટેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2023/gj-gnr-11-mahila-reservation-photo-story-7204846_20092023151120_2009f_1695202880_348.jpg)
મહિલા અનામતનો લાભ તમામ સમાજને મળશે: ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે ETV ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજે નવા સાંસદ ભવનની અંદર વડાપ્રધાન મોદી સરકાર દ્વારા 33% મહિલા અનામત માટેનું બિલ મૂકવામાં આવ્યું છે. તેમાં સમગ્ર દેશની મહિલાઓ આ બિલને આશીર્વાદરૂપ સ્વીકારે છે. આજે દરેક મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને રસોડામાંથી બહાર નીકળીને અવકાશ સુધી પહોંચી છે. ત્યારે મહિલાઓની 50% ભાગીદારી આખા સમાજમાં હોય તો રાજકીય ક્ષેત્રમાં પણ 33% અનામત આપવામાં આવે તો તેનો લાભ આખા સમાજને મળશે.
લોકસભામાં ફક્ત 15 ટકા મહિલા સાંસદો: રીટાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં લોકસભાની અંદર 15% મહિલાઓ, રાજ્યસભાની અંદર 14% મહિલાઓ અને દેશના અલગ અલગ રાજ્યની વિધાનસભામાં 10% કરતાં પણ ઓછી મહિલાઓ છે. ત્યારે જો 33% મહિલા અનામત આપવામાં આવે તો મહિલાઓની આવડતમાં પણ વધારો થઈ શકે છે. રાજકીય ક્ષેત્ર 33%ની અનામતથી સાંસદની અંદર 81ની જગ્યાએ 182 મહિલાઓ સાંસદ તરીકે બેસે ત્યારે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ સાબિત થશે.
મહિલા અત્યારચારના પ્રશ્નોને વાચા મળશે: રીટાબેને પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજકીય ક્ષેત્રે મહિલાઓને 33 ટકા અનામત મળવાને કારણે મહિલાઓના પ્રશ્ન પણ ઉઠાવી શકીશું. જ્યારે કોઈ ક્ષેત્રની અંદર મહિલા ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા હશે ત્યારે તેઓ બીજી મહિલાઓની ચિંતા વધારે કરશે. મહિલાઓના મુદ્દા વધારે ચર્ચામાં લેશે. જે સામાન્ય મહિલાઓ છે, તે આગળ આવી નથી શકતી અને સામે આવી નથી શકતી. ત્યારે આવા મહિલાઓના પ્રશ્નોને વાચા મળશે એટલે આ બિલથી વધુમાં વધુ મહિલાઓને સાંકળી શકાશે અને વધુમાં વધુ મહિલાઓના પ્રશ્નોને વાચા મળી શકશે.
![આર્થિક અને સામાજિક વિકાસમાં મહિલા નેતૃત્વ જરૂરી: ધારાસભ્ય દર્શીતા શાહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2023/gj-gnr-11-mahila-reservation-photo-story-7204846_20092023151120_2009f_1695202880_471.jpg)
મહિલા નેતૃત્વ જરૂરી: રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ તમામ મહિલા ધારાસભ્ય તેમનો ખૂબ ખૂબ આભાર માને છે જ્યારે મહિલા સશક્તિકરણની બાબતમાં આ ખૂબ મોટું પગલું છે. પીએમ મોદી દ્વારા હંમેશાં મહિલાઓ પગભર અને સશક્ત થાય તે માટે સતત પ્રયાસ કરે છે. દેશમાં સર્વોચ્ચ પદ ઉપર હાલમાં રાષ્ટ્રપતિ તરીકે મહિલા છે. દેશના નાણાપ્રધાન તરીકે પણ મહિલાની નિયુક્તિ કરવામાં આવી છે. આ બિલ મહિલા સશક્તિકરણનો ખૂબ મોટો સંદેશો છે. જ્યારે દેશનો આર્થિક અને સામાજિક વિકાસ એ દેશમાં કેટલી મહિલાઓ તેનું નેતૃત્વ સંભાળે છે તેના ઉપર ખૂબ મોટો આધાર હોય છે. આમ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ બિલ લાવવામાં આવ્યું છે.
દેશનો ખૂબ ઐતિહાસિક નિર્ણય: ભાવનગર મહિલા ધારાસભ્ય સેજલ પંડ્યાએ ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકીય ક્ષેત્રે 33% મહિલા અનામત બીલ લાવવામાં આવી રહ્યું છે તે ભારત દેશનો ખૂબ ઐતિહાસિક નિર્ણય છે. આ બિલથી તમામ મહિલાઓ ખૂબ જ ખુશ છે. સંસદમાં 33% મહિલા અનામતનું બિલ પસાર થયા બાદ ભાવનગરમાં મહિલાઓ અને ભાજપ મોરચાની બહેનો સાથે ઉજવણી પણ કરવામાં આવશે.
![મહિલા અનામત ST-SC ક્વોટા સાથે આપો: કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2023/gj-gnr-11-mahila-reservation-photo-story-7204846_20092023151120_2009f_1695202880_105.jpg)
મહિલા અનામત ST-SC ક્વોટા સાથે આપો: કોંગ્રેસના એક માત્ર મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જણાવ્યું હતું કે ભૂતકાળમાં તમામ સરકારો મહિલા અનામત બિલને લોકસભા અને રાજ્યસભામાં મૂકી ચૂકી છે. જ્યારે 2014 યુપીએની સરકારે પણ રાજ્યસભામાં આ બિલ પસાર કર્યું હતું. જો અનામત આપવાની લાગણી અને મહિલાઓના હિતમાં નિર્ણય લીધો હોય તો દસ વર્ષમાં જ બિલ મુકવા જેવું હતું. ત્યારે તમામ સાથી પક્ષો સાથે મળીને 33% મહિલા અનામત એસસીએસટી અને ઓબીસી કવોટા સાથે અનામત આપે તેવી માંગ ગેનીબેન ઠાકોરે કરી હતી.
![મહિલાઓના વોટબેંક મેળવવા નવો શબ્દ તૈયાર થયો - રિના બ્રહ્મભટ્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2023/gj-gnr-11-mahila-reservation-photo-story-7204846_20092023151120_2009f_1695202880_417.jpg)
ભાજપ સરકારને INDIA ગઠબંધનનો ડર: રાજકીય વિશ્લેક્ષક રિના બ્રહ્મભટ્ટે ETV સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખરેખર જોવા જઈએ તો કોઈપણ પક્ષ હોય તે પક્ષે જેને ટિકિટ આપવી હોય તેને ટિકિટ આપી શકે છે. આવા રાજકીય પક્ષોને ક્યાં કાયદાની જરૂર છે અને કોઈ એવું તો કહેવાનું નથી ને કે અનામત નથી તો ટિકિટ ન આપતા. જ્યારે લોકસભામાં 15 ટકા અને વિધાનસભામાં 10 ટકા મહિલા છે. તેમ છતાં પણ ક્યાં ટિકિટ આપવામાં આવે છે. આ ઉપરાંત મહિલા વિરુદ્ધના ક્રાઈમ પણ જોવા જેવા છે. મણીપુરની ઘટનામાં દિલ્હી મહિલા આયોગ દ્વારા શું કરવામાં આવ્યું. ઉપરાંત નિર્મલા સીતારામન અને સુષ્મા સ્વરાજ પણ મહિલાઓ માટે કયા કાર્યો કર્યા તેવા પણ પ્રશ્નો કર્યા હતા. જ્યારે વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં મહિલાઓના વોટબેંક મેળવવાનો આ નવો શબ્દ તૈયાર થયો છે અને ભાજપ સરકારને INDIA ગઠબંધનનો ડર છે હોવાનું નિવેદન પણ રાજકીય વિશ્લેષક રીના બ્રહ્મભટ્ટે આપ્યું હતું.