ગાંધીનગર: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 31 ઓગસ્ટે નિધન થયું હતું. તેમના નિધન બાદ દેશમાં 7 દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ બાબતે રાજ્યના કૃષિ પ્રધાન આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દુઃખદ અવસાનથી દેશના રાજાકારણમાં મોટું નુકસાન થયું છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સૌપ્રથમ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનના સમાચાર આવતાની સાથે જ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 31 ઓગસ્ટના દિવસે જ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.