શુક્રવારે વિધાનસભા ખાતે છેલ્લા દિવસના પ્રસ્તાવનો પ્રત્યુતર આપતા વસાવાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આદિવાસીઓને વિકાસના સપના દેખાડાતા હતા. પરંતુ અમારી સરકારે નક્કર આયોજન કર્યું છે. અને આદિવાસીઓને બંધારણીય અધિકાર મુજબ વીજળી, શિક્ષણ, આરોગ્ય સિંચાઇ અને જંગલની જમીનના હક્કો પૂરા પાડ્યા છે અને અન્ય સમાજની હરોળમાં આવે તે માટે પૂરતા નાણાંની જોગવાઈ પણ કરી છે. ભૂતકાળમાં ૪૦ વર્ષના શાસનમાં અંબાજીથી ઉમરગામ પટ્ટાના વિકાસ માટે રૂપિયા ૬૫૦૦ કરોડ ફાળવાયા હતા. અમારી સરકારે આ વર્ષે રૂ. ૧૬૨૯ કરોડની ફાળવણી એક વર્ષ માટે કરી છે.
વર્ષ 2007માં વિધાનસભામાં આદિવાસીના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ પાંચ વર્ષમાં રૂપિયા ૧૫ હજાર કરોડની સામે ૧૭ હજાર કરોડ વાપર્યા હતા અને બીજા પાંચ વર્ષ માટે રૂ ૪૦,૦૦૦ કરોડની ફાળવણી સામે રૂપિયા ૪૨ હજાર કરોડનો ખર્ચ કરીને વિવિધ વિકાસ પ્રોજેક્ટ થકી સવલતો પૂરી પાડી છે. એટલે અમે જે કહીએ છીએએ કરીને જ બતાવીએ છીએ. આ વર્ષે ૧૪,૫૬૭ કરોડની ફાળવણી બજેટમાં કરી છે જે ગત વર્ષ કરતાં નવ ટકા વધારે છે. જેમાં માત્ર આદિજાતિ હસ્તક રૂ. ૨૪૮૧ કરોડની ફાળવણી કરી છે.
જ્યારે ચાલુ વર્ષ 2019-20માં રાજ્ય સરકારે કુલ રૂપિયા બે લાખ ૪ હજાર કરોડથી વધુનો બજેટ ફાળવ્યું છે. જેમાં વિકાસના કામો-નવી બાબતો માટે રૂ. ૧,૦૬,૮૦૩ કરોડનો ખર્ચ કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા આયોજન પંચના સ્થાને નીતિ આયોગનું ગઠન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિકાસ યોજના હેઠળ રૂપિયા ૧૪,૫૬૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. જે પૈકી આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂપિયા ૨૪૮૧ની જોગવાઈ કરવામાં આવી છે. જે ૧૩.૨૪ ટકા થાય છે.
બજેટમાં ફળવાતા આદિજાતિના નાણાં પરત જાય છે. તે અંગેની સ્પષ્ટતા કરતા ગણપત વસાવાએ ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016-17 માં 97.48 ટકા, વર્ષ 2017-18 માં 97.45 ટકા તેમજ વર્ષ 2018-19 માં 96.22 ટકાનો ખર્ચ આદિજાતિ વિકાસ માટે કરવામાં આવ્યો છે.