ગાંધીનગરઃ અમદાવાદ શહેર સફાઈ કમદાર યુનિયને કાયમી ધોરણે સમાવેશ બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. આવેદનમાં યુનિયને જણાવ્યું છે કે, પેથાપુરમાં ગ્રામપંચાયત હતી ત્યારથી સફાઈ કામદારો નજીવા વેતનથી ફરજ બજાવી રહ્યાં છે. આ કામદારોએ કાયમી નોકરી માટે રજૂઆતો કરતાં 18 જાન્યુઆરી, 2020ના રોજ પેથાપુર નગરપાલિકાએ આ અંગેનો ઠરાવ કર્યો હતો.
પેથાપુર પાલિકાના સફાઇ કામદારોને GMCમાં કાયમી કરવામાં નહીં આવે તો આંદોલન થશે સફાઈ કામદારોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી સુધી આ મામલે રજૂઆતો થઈ હતી અને સરકાર તરફથી પણ મંજૂરી મળી હતી. જો કે પેથાપુર પાલિકાના ઠરાવનો અમલ થાય તે પહેલાં ગાંધીનગર મ્યુનિ.માં તેનો સમાવેશ થયો હતો. મ્યુનિ.ના અધિકારીએ સોમવારે પેથાપુર નગરપાલિકા ખાતે સફાઈ કામદારો સાથે ચર્ચા કરી હતી અને તેમને આઉટસોર્સિંગ કર્મચારી તરીકે નિમણૂક આપવાની જાણ કરી હતી. આ બાબતના વિરોધમાં સફાઈ કામદારો પેથાપુર નગરપાલિકા કચેરીમાં ભેગા થયા હતા અને બાદમાં યુનિયનના પ્રતિનિધિઓએ આ મામલે મ્યુનિ. સત્તાધીશો સમક્ષ પણ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સફાઈ કામદારોને કાયમી નોકરી અંગે 15 દિવસમાં નિર્ણય ન લેવાય તો આંદોલન શરૂ કરવામાં આવશે. સફાઈ કામદારોના જણાવ્યા મુજબ, જાન્યુઆરી મહિનામાં પેથાપુર પાલિકામાં ઠરાવ થયા બાદ સફાઈ કામદારો પાસે આવેદન મંગાવાયાં હતાં. તેના આધારે સફાઈ કામદારોની કાયમી ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જો કે આ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં લોકડાઉન આવી ગયું અને બાદમાં પાલિકાને ગાંધીનગર મ્યુનિ.માં ભેળવી દેવાઈ. આમ લોકડાઉનના કારણે કાયમી નોકરી ગુમાવવાનો વારો આવ્યો હોવાનું સફાઈ કામદારો માની રહ્યાં છે.