પાટનગરની સિવિલ હોસ્પિટલમાં રોજના 1500થી 2000 દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. જેમાંથી મોટાભાગના હાડકા અને તેને સંલગ્ન બીમારીઓના કારણે સારવાર મેળવવા આવે છે પરિણામે આ તમામ દર્દીઓને એક્સ-રે કાઢવા જરૂરી બનતું હોય છે. તો પેટને લગતી બીમારીઓને લઈને પણ દર્દીઓને સોનોગ્રાફી કરાવવી પડતી હોય છે. સવારથી જ OPDમાં તબીબને બતાવ્યા બાદ રેડીયોલોજીસ્ટ વિભાગમાં દર્દીઓને બેસવું પડતું હોય છે.
અહીં સુધી તો બરાબર છે પરંતુ દર્દીઓની ખરી કસોટી હવે શરૂ થાય થાય છે. રેડીયોલોજીસ્ટ વિભાગમાં છેલ્લા છ મહિનાથી એસોસિયેટ પ્રોફેસર લેવલના એકપણ તબીબ ફરજ બજાવી રહ્યા નથી. તમામ જગ્યા હાલમાં ખાલી પડેલી છે. 10 દિવસ પહેલા એક સિનિયર તબીબ અને એક જુનિયર તબીબો ફરજ બજાવતા હતા. પરંતુ તેઓ નોકરી છોડીને જતા રહેતા આખો વિભાગ રામભરોસે થઈ ગયો છે. જ્યારે હાલમાં બે જુનિયર તબીબો રેડીયોલોજીસ્ટ વિભાગને ચલાવી રહ્યા છે.
જેમની પાસે પૂરતો અનુભવ નથી, તે તબીબો સિવિલના રેડીયોલોજીસ્ટ વિભાગમાં એક્સ-રે, સોનોગ્રાફી અને સીટી સ્કેન માટે આવતા દર્દીઓને રિપોર્ટ આપે છે, ત્યારે તે કેટલો સાચો હશે..? આ સમસ્યાને લઇને અનેક વખત દર્દીઓ અને સ્ટાફ વચ્ચે માથાકૂટના બનાવો બને છે. રાજ્યની સંવેદનશીલ સરકાર આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી હોય તે માટેની સુફિયાણી વાતો કરી રહી છે. પરંતુ ગાંધીનગર શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી.
સીટી સ્કેન કરવા માટે દર્દીઓ પાસેથી 1 હજાર રૂપિયા લેવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય કે શું હજાર રૂપિયા આપવા જતા દર્દીઓને સાચો રિપોર્ટ મળશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જો રેડીયોલોજીસ્ટ વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર લેવલના તબીબોની નિમણૂંક કરવામાં નહીં આવે તો વર્ષો બાદ લાવવામાં આવેલા સીટી સ્કેન મશીનને ફરીથી બંધ કરવાનો સમય આવશે.