ગાંધીનગર : ગુરુ શિષ્યના સંબંધોમાં તિરાડો પડી રહી છે. ક્યારેક ગુરુ હેવાનિયત બની રહ્યો છે. તો ક્યારેક શિષ્ય તે પગલે જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ કોલવડામાં આવેલી આયુર્વેદિક હોસ્પિટલના પ્રોફેસર દ્વારા એક વિદ્યાર્થીનીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, ત્યારે આજે ગાંધીનગર તાલુકામા આવેલા ટીટોડા ગામના બાપુપુરામાં આવેલી આર.ડી.ગાડીવ માધ્યમિક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા બજરંગ કાનાજી ઠાકોરને શાળાની શિક્ષિકા વસંતીબેન પટેલ દ્વારા માર મારવામાં આવ્યો હતો. બજરંગ જ્યારે નોટબુકમાં લખાણ કરી રહ્યો હતો. તે દરમિયાન તેની પણ બંધ થઈ જવાના કારણે શિક્ષિકાએ જાણે પોતાના મગજનો કાબુ ગુમાવી દીધો હોય તે રીતે વાંસની સોટી વડે માર મારવા લાગ્યા હતા. જેને લઇને વિદ્યાર્થી બજરંગ શાળામાં જ બેભાન થઇ ગયો હતો.
માતા-પિતા વિહોણા બજરંગ પોતાના કાકા-કાકી પાસે રહે છે. જેને લઇને શાળા દ્વારા બજરંગના કાકા ભુપતજીને ફોન કરીને બોલાવ્યા હતા. ભુપતજીએ જણાવ્યું હતુ કે, શાળામાંથી મને ફોન આવ્યો હતો કે, બજરંગ બેભાન થઇ ગયો છે. તેને સારવાર અર્થે લઇ જાવ જેને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય પરેશભાઈ પટેલને પુછપરછ કરતા તેઓએ લૂલો બચાવ કરતા કહ્યું કે શિક્ષિકા જ્યારે ભણાવી રહ્યા હતા. તે દરમિયાન બજરંગનું ધ્યાન ભણવામાં ન હતું. જેને લઇને શિક્ષા કરી હતી, પરંતુ શિક્ષિકાએ વધારે માર મારતા બજરંગની હાલત ખરાબ થઇ ગઇ હતી. શિક્ષિકા દ્વારા ભૂલ થઈ છે. જેને લઇને અમારા દ્વારા વાલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઇ ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેરે કહ્યું કે, વિદ્યાર્થીને માર મારવા ઉપર પ્રતિબંધ છે. જ્યારે શિક્ષિકાએ આ પ્રકારની શિક્ષા કરી હશે, તો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.