ભારતીય મજદૂર મહાસંઘના પ્રમુખ વલ્લભ વાછાણીએ કહ્યું કે, સરકાર સાથે અમારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં અમે સાતમા પગાર પંચનો મુદ્દો મુક્યો હતો. ત્યારે સરકાર પાસે અમે લેખિત માંગણી કરી હતી. પરંતુ સરકારે લેખિત માંગણી સ્વીકારી ન હતી અને એક કમિટી બનાવવાની વાત કરી હતી. પરિણામે અમારૂ આંદોલન ચાલુ જ રહેશે. સરકાર દ્વારા ખાનગી ટ્રાવેલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને કહ્યું કે, આરટીઓની મિલીભગતથી આમ પણ ખાનગી ટ્રાવેલ્સની જ બોલબાલા રહી છે. શુક્રવારે પણ અનેક ટ્રીપો રદ થઈ છે. મુસાફરો ખાનગી ટ્રાવેલ્સનો ઉપયોગ કરવા છતાં રઝળી રહ્યા છે.
રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના 177 રૂટ પર 1002 બસો દોડાવવામાં આવશે. વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ કહ્યું કે, નિગમને ખોટમાંથી બહાર લાવવા માટે મહેનત કરીએ છીએ. 2 દિવસથી વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ હડતાલ ઉપર ગયા છે, ત્યારે મારી કર્મચારીઓને બે હાથ જોડીને વિનંતી છે કે, તેઓ ગુજરાતનું હિત જોવે અને કામગીરી પર ચાલુ થઈ જાય. હડતાળ માટે તો એક જ દિવસની વાત કરવામાં આવી હતી. નિગમના કર્મચારીઓ દ્વારા એક દિવસ માસ સી.એલ.નો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પરંતુ તેમને બીજા દિવસથી ફરજ ઉપર હાજર થઇ જવું જોઈતું હતું. સરકારે આ બાબતે 3 સભ્યોની એક કમિટી પણ બનાવી છે. જેમાં કર્મચારીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.