ગાંધીનગરઃ શહેરમાં સિઝનનો સૌથી મુશળધાર વરસાદ શુક્રવારે રાત્રે પડ્યો હતો. અનેક વિસ્તારમાં સ્માર્ટ સિટીની પોલ ખૂલી ગઈ હતી. કરોડો રૂપિયા વાપરવા છતાં આ રૂપિયા એક જ ધોધમાર વરસાદમાં ધોવાઈ ગયા હતા. ત્યારે સેક્ટર 13 પાસે રોડ સાઈડમાં ગટરની પાઇપ લાઇન નાખ્યા બાદ તેમાં યોગ્ય પુરાણ નહિ કરવામાં આવતા ચાલુ વરસાદમાં આખી ઇકો કાર જમીનમાં ઘૂસી ગઈ હતી. સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ વાહન ઘુસી જવાના કારણ સ્માર્ટ સિટીની પોલ ચોક્કસ ખુલી ગઈ હતી.
રાજ્યના પાટનગરમાં સ્માર્ટ સિટી નામે કરોડો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ સરકાર હોવાથી ઘરના ભુવાને ઘરના ડાકલા કહેવત મુજબ ગાંધીનગરને સ્માર્ટ સિટીનું લેબલ તો મળી ગયું છે, પરંતુ સ્માર્ટ કામગીરીના નામે શુન્યતા જોવા મળી રહી છે.
ગાંધીનગર શહેરમાં સેક્ટર-21માં પેટ્રોલ પંપથી લઈને આર વર્લ્ડ સિનેમા અને તેની આજુબાજુના તમામ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાઇ ગયા હતા. વરસાદ રોકાયા બાદ પણ અડધો કલાક સુધી આ પાણી ઓસર્યા ન હતાં. આ વાતથી પુરવાર થાય છે કે, ગાંધીનગરમાં ખર્ચવામાં આવી રહેલા સ્માર્ટ સિટીના રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે.