- કેન્દ્રીય આરોગ્ય ટીમના ત્રણ સભ્યો ગુજરાતની મુલાકાતે
- CM ડેશબોર્ડના માધ્યમથી તમામ હોસ્પિટલની કામગીરીનું કર્યું નિરીક્ષણ
- અમદાવાદ, વડોદરા અને મહેસાણાની પણ લીધી મુલાકાત
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી છે ત્યારે દિલ્હીની ટીમ દ્વારા રવિવારે CM ડેશબોર્ડ ખાતેથી તમામ હોસ્પિટલોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરંતુ ઘરના ભુવાને ઘરના જાગરીયા જેવો ઘાટ જોવા મળ્યો હતો. ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ માટે આવેલી કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ગાંધીનગરમાં વિસ્તૃત બેઠક યોજી હતી.
અમદાવાદ, વડોદરા અને મહેસાણાની લીધી મુલાકાત
નવી દિલ્હીની નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડૉ. સિંઘના નેતૃત્વમાં આ ટીમમાં એડિશનલ ડાયરેક્ટર ડૉ. જૈન અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડૉ. કૌશિકનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની આ ટીમની બેઠક પૂર્વે ટીમના સભયોએ અમદાવાદ, વડોદરા અને મહેસાણાની મુલાકાત લઈને ત્યાં આપવામાં આવતી સારવાર, સર્વેલન્સ, સંક્રમણ નિયંત્રણના આરોગ્યલક્ષી ઉપાયોની સર્વગ્રાહી તલસ્પર્શી વિગતો મેળવી હતી.
ગુજરાતમાં ધન્વંતરી આરોગ્ય રથનો પ્રયોગ સફળ
કેન્દ્રીય ટીમે કહ્યું કે ગુજરાતમાં ધન્વંતરી આરોગ્ય રથનો જે પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે, તેનાથી સંતોષ દર્શાવી, અન્ય રાજ્યોમાં પણ આ ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય તેમ છે. મુખ્યપ્રધાન સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને ગુજરાતમાં હોમ આઇસોલેશન, એરિયા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્ધતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી હતી. હાઉસ ટુ હાઉસ સર્વેને ધન્વંતરી રથ સાથે લિંક કરીને, સમન્વય કરીને જે ઝડપી ટ્રેસિંગ અને સારવાર ફોલો અપ થાય છે, તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન-સંક્રમણ વ્યાપકપણ નિયંત્રણમાં રહ્યું છે, તેનાથી આ ટીમે સંપૂર્ણ સંતોષ દર્શાવ્યો હતો.
ખાનગી હોસ્પિટલોનો કોરોના મહામારીમાં સહયોગઃ CM
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતમાં કોવિડ માટે તેમણે ખાનગી હોસ્પિટલોના સહયોગ અને નિયમિતપણે બેઠકો યોજીને રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે હાથ ધરાયેલી તમામ બાબતોની વિગતવાર ચર્ચા ટીમ સાથે કરી હતી. કેન્દ્રીય ટીમના વડા ડૉ. સિંઘે આશાવર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર્સ તેમજ લોકો-નાગરિકો સાથે સંવાદ-વાતચીત કરીને તેમણે જે પ્રતિભાવો મેળવ્યા તે પૂર્ણતઃ સંતોષજનક છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ડૉ. સિંઘે રાજ્યની હોસ્પિટલોમાં આવતા કોવિડ પેશન્ટ્સની સ્થિતિનું સ્કેનિંગ કરીને પેશન્ટની તબક્કાવારની સ્થિતિનું મોનિટરિંગ થાય તે દિશાના પ્રયાસોને આવકાર્ય ગણાવ્યા હતા. જે રોગીઓ સંક્રમણમુક્ત થયા છે તેમને પોસ્ટ કોવિડ સ્થિતિમાં યોગ-પ્રાણાયમ અને આયુષ પદ્ધતિથી લાભ-ફાયદો થયાના ગુજરાતમાં જે નોંધપાત્ર ઉદાહરણો છે તેનો પણ અન્ય રાજ્યોમાં પ્રસાર કરી શકાય અને આ પ્રાચીન પદ્ધતિની આવશ્યકતા વ્યાપક બનાવાય તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના નાગરિકોને CM વિજય રૂપાણીની અપીલ
- વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે.
- મુખ્યપ્રધાને જણાવ્યું છે કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે. તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે.
- આવતીકાલથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે સાથો સાથ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ગઈકાલથી જે રાત્રી કર્ફ્યુનો અમલ થયો છે તે ચાલુ રહેવાનો છે.
- મુખ્યપ્રધાને સૌ નાગરિકો ખાસ કરીને યુવાઓને અપીલ કરી છે કે સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન કરે. બિનજરૂરી બહાર જવા-આવવાનું ટાળે.
- તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે, તેઓ તો યુવા અવસ્થામાં સ્વસ્થ છે પરંતુ જો સંક્રમણ લઈને ઘરે જશે તો ઘરમાં વડીલોને અસર થશે એટલે યુવાનો ખાસ ધ્યાન રાખે.
- આ ચાર શહેરો સિવાય રાજ્યના બાકીના નગરો અને ગામોમાં સંક્રમણ ન વધે તે માટે લોકો રાત્રે ઘરમાં જ રહે તેવી અપીલ મુખ્યપ્રધાને કરી છે.
- રાજ્યભરમાં સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી લોકો ફરજિયાત માસ્ક પહેરે જ તેવી ખાસ અપીલ કરતાં માસ્ક ન પહેરનાર લોકો સામે રૂપિયા 1000/-નો દંડની કડક કાર્યવાહી પોલીસ કરશે તેવી સૂચનાઓ પણ આપી છે.
- ભુતકાળમાં આપણે સૌ સાથે મળીને દરેક સંક્રમણમાંથી સારી રીતે પાર ઉતર્યા છીએ. નાગરિકોએ ગભરાવવાની કોઇ જરૂર નથી, રાજ્ય સરકારે હોસ્પિટલોમાં પૂરતા બેડ, ડૉક્ટરો તથા ત્વરિત સારવાર મળે તે માટેની બધી જ વ્યવસ્થાઓ સુનિશ્વિત કરેલી છે.
- તેમણે સૌ નાગરિકોને કહ્યું કે, કોરોનાનું સંક્રમણ રોકવું એ અતિ આવશ્યક છે એટલે સૌ કોઇ ફરજિયાત માસ્ક, દો ગજ કી દૂરી અને વારંવાર હાથ ધોવા- સેનેટાઇઝ કરવા જેવી આદતો કેળવે અને તેનું અવશ્ય પાલન કરે.