ગાંધીનગર: મળતી માહિતી મુજબ 17 ફેબ્રુઆરીના રોજ લેકાવાડા પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને ચિલોડા પોલીસ સ્ટેશનને જાણ કરતા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવના 9 દિવસ બાદ આખરે ચિલોડા પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. સમગ્ર બનાવની માહિતી એવી છે કે, નદી પાસે જ એક બાવાજી દ્વારા મઢુલી બનાવવામાં આવી છે. તે મઢૂલીમાં ગુરુ અને ચલો સાથે રહેતા હતા.
જો કે, પોલીસે હત્યાની શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. તેમજ ઘટના સ્થળ નજીક દશામાના મંદિર પાસે રહેતા ગુરુ ચેલા પાસે આવતા જતા લોકોની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં ધોળકા આવતા ગુરુ રામ ખેલામણ જોખુરામ જયસ્વાલ ઉર્ફે યોગી વિજયનાથ ગુરુ ગિરનાર નાથબાવા તથા ચેલો કુલદીપ ઘનશ્યામભાઈ બ્રહ્મભટ્ટ ઉર્ફે યોગી કુલદિપના ચોંકાવનારા નિવેદનો સામે આવ્યાં હતાં.
આ મઢુલીએ આવતા મેવા બાબુ વણજારાનું નિવેદન લેતા મૃતક રાજુ ઠાકોર દારૂ પીવાની ટેવવાળો હતો. તેમજ અહિયા અવારનવાર આવતો હતો. જેમાં 8 ફેબ્રુઆરીના રોજ મૃતક યોગી વિજયનાથનું આધારકાર્ડ, ચુંટણીકાર્ડ અને અન્ય કાગળો ચોરી ગયો હતો. બનાવના દિવસે ગુરુ ચેલો અને મેવા બાબુભાઈ ધુણા ઉપર બેઠા હતા. તે દરમિયાન મૃતક રાજુ ઠાકોરના હાથમાં લોખંડનું હથિયાર લઇને આવ્યો હતો અને યોગી વિજયનાથ સાથે મારઝૂડ કરી હતી. જે જોઈને શિષ્ય કુલદીપનાથ વચ્ચે પડ્યો હતો અને ઉશ્કેરાઈ જઈને રાજુ ઠાકોરને પાઇપ મારી હતી. આ બનાવ બાદ ચિલોડા પોલીસે ગુરુ-ચેલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.