અમદાવાદ ડેસ્ક: આજે પર્યાવરણ દિવસ છે. ત્યારે ગુજરાત સરકાર કાર્બન ઉત્સર્જનને જેમ બને તેમ ઓછું કરવા માટે પ્રયત્ન કરી રહ્યી છે. 2070 સુધીમાં ભારતમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે ગુજરાત ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાતના ઊર્જા વિભાગે માહિતી આપી છે કે રાજ્યની નવી સોલાર પોલિસી 2021 ને કારણે ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન થતા કાર્બન ઉત્સર્જનમાં 55% ઘટાડો કરવામાં રાજ્યને સફળતા પ્રાપ્ત થઇ છે. રાજ્ય સરકારે 29 ડિસેમ્બર 2020 ના રોજ ગુજરાત સોલાર પોલિસી 2021 બહાર પાડી હતી. 2.5 વર્ષમાં રાજ્યમાં ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં થતા કાર્બન ઉત્સર્જનમાં 9.32 મિલિયન ટનનો ઘટાડો થયો છે.
“ ગુજરાતમાં નવીનીકરણીય ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં વધારો થયો હોવાના લીધે,વીજળી ઉત્પાદનની પરંપરાગત પદ્ધતિઓ પરની નિર્ભરતા ઘટી છે, જેના કારણે ગુજરાતમાં ઊર્જા ઉત્પાદન દરમિયાન થતા કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થયો છે. જો આપણે કાર્બન ઉત્સર્જનના આંકડાઓ પર નજર કરીએ તો, ડિસેમ્બર 2020 માં 17.42 મિલિયન ટન ઓછા CO2 ઉત્સર્જનની સરખામણીએ એપ્રિલ 2023 માં 26.74 મિલિયન ટન ઓછું CO2 ઉત્સર્જન થયું છે. વધુમાં, સોલાર પોલિસી 2021 ની જાહેરાત પછી , GUVNL એ 6180 મેગાવોટ સોલાર અને 1100 મેગાવોટ પવન ઊર્જા માટે કરાર કર્યા છે , જેના પરિણામે આગામી ત્રણ વર્ષમાં 11.06 મિલિયન ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થશે-- (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.)
વિગતવાર રૂપરેખા: ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર કાર્બન ઉત્સર્જન ઘટાડવા અગ્રતા સાથે કામ કરી રહી છે. તે ઉદ્દેશ્યથી, રાજ્ય સરકારે 2022 માં ખાસ ડીકાર્બનાઇઝેશન સેલની સ્થાપના પણ કરી છે . આ સેલ ગુજરાત એનર્જી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હેઠળ કામ કરે છે. આ સેલમાં ઊર્જા ટ્રાન્સમિશન , ઊર્જા ઉત્પાદન , વિતરણ , નાણા અને વાણિજ્ય ક્ષેત્રના નિષ્ણાંત અધિકારીઓનો સમાવેશ થાય છે. જેઓ ગુજરાતમાં ડીકાર્બનાઇઝેશન અને નેટ ઝીરો જેવા વિષયો પર લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે કામ કરે છે.
ઊર્જાનું સ્થાન: ગુજરાત સરકાર તેની વર્તમાન ઊર્જાની જરૂરિયાત અને ભવિષ્યની ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા રિન્યુએબલ એનર્જીને અગ્રિમ પ્રાથમિકતા આપી રહી છે. પરિણામે, ડિસેમ્બર 2020 સુધીમાં 13,039 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ( સૌર + પવન + હાઇડ્રો એનર્જી) નો હિસ્સો 35% હતો. જે એપ્રિલ 2023 સુધીમાં 20,432 મેગાવોટ સ્થાપિત ક્ષમતાના યોગદાન સાથે વધીને 44% થયો છે. રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે રિન્યુએબલ એનર્જીની આ સ્થાપિત ક્ષમતાને વર્ષ 2030 સુધીમાં 80 ટકા સુધી લઇ જવામાં આવે અને રાજ્યની 50 ટકા ઊર્જા જરૂરિયાતોને રિન્યુએબલ એનર્જીના માધ્યમથી પૂર્ણ કરવામાં આવે.
પૂર્ણ કરવા માટે તૈયારી: GUVNLએ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (ESS)ની 2379 MWh ના ટાઇઅપ માટે બે ટેન્ડરો અને અન્ય વિવિધ ચર્ચાઓ શરૂ કરી છે. ઉપરાંત , GSECL (ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ) એ ગુજરાતમાં પમ્પ્ડ સ્ટોરેજ પ્લાન્ટ્સ (પીએસપી) માટે 33 સંભવિત સ્થાનો અને 8 જળાશયોના સ્થળોની ઓળખ કરી છે. NHPC (નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ) એ પણ દોઢ મહિનાની અંદર 41 સ્થળો માટે તેનો જરૂરી અભ્યાસ પૂર્ણ કરવા માટે તૈયારી દર્શાવી છે.
લક્ષ્યાંકો નિર્ધારિત: એટલું જ નહીં, 2030 સુધીમાં દેશમાં 50 ટકા કાર્બન મુક્ત ઊર્જા અને 100 ટકા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવા માટે તાજેતરમાં તારીખ 2 મે, 2023ના રોજ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ગુજરાત સરકારે ટાટા મોટર્સ સાથે લિથિયમ આયન સેલના ઉત્પાદન માટે MoU કર્યા છે. આ MoU પછી, ગુજરાત લિથિયમ આયન સેલનું ઉત્પાદન શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. રાજ્ય સરકારના આ તમામ પ્રયાસો ગુજરાતમાં એક ટકાઉ ઊર્જા ઇકોસિસ્ટમ તો બનાવશે જ, અને તે સાથે જ તેના બાય-પ્રોડક્ટથી રાજ્ય સરકારે જે ઓછા કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે, તેને પ્રાપ્ત કરવામાં પણ મદદ મળશે.
દેશનું સર્વપ્રથમ સૌર ઊર્જા સંચાલિત ગામ: ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 x 7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે 'મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન' શરૂ કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑક્ટોબર 2022માં દેશના પ્રથમ 'સોલાર વિલેજ' એટલે કે 'સૌરગ્રામ' તરીકે મોઢેરા ગામનું અનાવરણ કર્યું હતું.
પ્રથમવાર ડબલ સોલાર પેનલ: સુરતમાં રિન્યુએબલ એનર્જી ભવિષ્યની માંગ છે ત્યારે દેશમાં પ્રથમવાર ડબલ સોલાર પેનલ બનાવવામાં આવી છે. સુરતના ઉદ્યોગકારે બનાવેલા આ સોલાર પેનલના કારણે 25 ટકા વધુ એનર્જી મળી રહેશે એટલું જ નહીં આજદિન સુધી 80 ટકા મેન્યુફેક્ચરિંગ ચાઇના સોલાર પેનલનું કરતું હતું જે હવે ભારતમાં શરુ થઇ ગયું છે. આગામી દિવસોમાં ભારતમાં આ સોલાર સિસ્ટમ લઈ જવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર ડબલ સોલાર પેનલ બનાવામાં આવી છે.
દેશનું પ્રથમ સોલાર પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ: રાજકોટમાં દેશનું પ્રથમ પોર્ટેબલ અને સોલાર ટ્રાફિક સિગ્નલ ડેમો માટે મુકાયું હતુ. શહેરમાં કોર્પોરેશન ચોક ખાતે આ ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યું હતું. જે રાજકોટની રોઝર્સ મોટર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. હાલ માત્ર પ્રયોગિક ધોરણ માટે આ સિગ્નલ મુકવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રયોગ સફળ થયા બાદ રોઝર્સ મોટર્સ દ્વારા આગામી સમયમાં વિવિધ સ્થળોએ મુકવામાં આવશે.
ગુજરાત દેશભરમાં પ્રથમ: તત્કાલીન સીએમ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતના મંત્ર થકી ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા હતાં. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યોજના અંતર્ગત રહેણાંક વિસ્તારોમાં સોલર રૂફટોપ લગાવવામાં 81 ટકા હિસ્સા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે.