ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સુનીતા અગ્રવાલે શપથ લીધા હતા. રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. સમારોહમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, કાયદો અને ન્યાયતંત્રના મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.
ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ: ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે. સુનિતા અગ્રવાલ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. 21 નવેમ્બર 2011માં તેઓ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા હતા. તેઓ ત્યાંના સૌથી સિનિયર જજ હતા. હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે.
CJI ચંદ્રચુડે કરી હતી ભલામણ: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 7 હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરી હતી. ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોલજિયમની સલાહ પર સુનિતા અગ્રવાલની ભલામણ CJI ધનંજય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવી હતી. સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટમાં સોનિયા ગોકાણી બાદ બીજા મહિલા ચીફ જજ બન્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના પદ પરથી સોનિયા ગોકાણી રિટાયર્ડ થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર જજ આશિષ. જે. દેસાઈ એક્ટિંગ ચીફ જજ તરીકે કાર્યરત હતા. જેમને કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવાયા છે.
અનેક મહાનુભાવો હાજર રહ્યા: રાજભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ આર. એચ. શુક્લ, રાજ્યના વિજિલન્સ કમિશનર સંગીતા સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.