ગાંધીનગરઃ જામનગર જિલ્લાના સચાણા ગામના દરિયાકિનારે આવેલા જમીનના એક ભાગની માલિકી હક અંગે આ જગ્યા દરિયાઇ અભયારણ્યમાં આવે છે કે, GMBની હદમાં તે બાબતે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
તેથી વન વિભાગ દ્વારા આ જમીનના દરિયાઇ અભયારણ્ય માટેના રજૂ થયેલા દાવાને કારણે ગુજરાત હાઇકોર્ટે 11 મેના રોજ આદેશ આપેલો કે, જ્યાં સુધી ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અથવા સંબંધિત મંત્રાલય અથવા સક્ષમ ઓથોરિટી દ્વારા યોગ્ય મંજૂરી મેળવવામાં નહીં આવે ત્યાં સુધી અને આમા કોર્ટ દ્વારા આગળના હુકમ પસાર ન થાય ત્યાં સુધી સચાણા ખાતે જહાજ તોડવાની કોઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી નહીં.
દરમિયાનમાં, નામદાર હાઇકોર્ટના પ્રોસીડીગ્સ બાદ કરેલા 19 ફેબ્રુઆરીના રોજ હુકમ મુજબ સંબંધિત પક્ષકારોને રાજ્ય સરકારે તેની હાઇ પાવર કમિટિ સમક્ષ સાંભળવાની તક આપેલી, તે મુજબ પક્ષકારોને સાંભળીને રાજ્ય સરકારે સચાણા ખાતે D.L.I.R દ્વારા વન વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સચાણા ગામની હદની માપણી કરી હતી, ત્યારબાદ ફરીથી હાઇ પાવર કમિટિની મીટીંગમાં આ રીપોર્ટને રજૂ કરવામાં આવતા એવું ફલિત થયું છે કે, સચાણા ગામની સીમા, તથા 2012 થી બંધ કરવામાં આવેલા આ શિપ બ્રેકિંગ પ્લોટ્સ વન વિભાગના અનામત જંગલના સેક્શન-4 અને મરીન અભયારણ્યના હદની બહાર આવે છે.
તેથી હવે સરકારની હાઇ પાવર કમિટિએ આ જગ્યા ગુજરાત મેરીટાઇમ બોર્ડની હદમાં આવતી હોઇ શિપ બ્રેકિંગ યાર્ડ પુન: ચાલુ કરવા માટે બોર્ડને પરત સોંપવાનું નક્કી કર્યું છે, આના પરિણામે સચાણા ખાતે આ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવેલા આ પ્લોટ્સ સલામતી, આરોગ્ય અને પર્યાવરણીય ધોરણોનું પાલન કરતી શિપ બ્રેકિંગ કોડ-2013ની જોગવાઈ મુજબ ફરીથી શરૂ કરવામાં આવશે.
આ શિપ બ્રેકિંગ ઉદ્યોગ પુન: ચાલુ થતા આ વિસ્તારની સમગ્ર આર્થિક ગતિવિધીઓને વેગ મળશે. તેમજ આશરે 10,000 જેટલા લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારને પ્રોત્સાહન પણ મળશે.