માણસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનાં માનસિક ત્રાસથી કંટાળી ગયેલા સોલૈયા સરકારી પ્રાથમિક શાળાનાં હ્યદયની બિમારી ધરાવતા શિક્ષક હવે ફરજમુક્ત થવા મજબૂર બની ગયા છે. શિક્ષક કરણજી રાઠોડે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તાલુકા શિક્ષણ અધિકારી નીરૂબેન પટેલની રાજકીય વગને કારણે મને સમાધાન માટે ધમકીઓ આપવામાં આવી રહી છે અને આજ દિન સુધી કોઈ જ પ્રકારની નિષ્પક્ષ તપાસ કરવામાં પણ આવી નથી. તેમજ તપાસ કરવામાં પણ વિલંબ કરવામાં આવી રહ્યો છે. હું કોઈ મોટો ગુનેગાર હોઉ તેવી રીતે મને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર નાયબ જિલ્લા શિક્ષણાધિકારી અને ગાંધીનગર તાલુકા શિક્ષણ અધિકારીએ મારી ઉલટ તપાસ કરી ફરી માનસિક રીતે હેરાન કર્યો હતો. તેમજ સીઆરસી અને બીઆરપીને બોલાવીને મને માનસિક રીતે હેરાન કરીને સમાધાન કરવા મજબુર કરવામાં આવી રહ્યો છે. મારું હદય 15 થી 20 ટકા જ કામ કરે છે, તેનાં કારણે મારુ ઓપરેશન કરીને પેસમેકર છાતીનાં ભાગમાં લગાવવામાં આવ્યું છે. તેથી મારી બદલી ખાસ કિસ્સામાં બનાસકાંઠા જિલ્લામાંથી ગાધીનગર જિલ્લામાં કરાઇ છે. ગત 15મી જુલાઇએ કર્મચારીઓની હાજરીમાં અભિનય સાથે બાળગીત અને બાળવાર્તા કહેવા મજબુર કરી બધાની વચ્ચે મને હાંસીપાત્ર બનાવ્યો હતો. તેમજ જો હું અભિનય સાથે બાળગીત અને બાળવાર્તા ના કહું તો મારો સી.આર. બગાડી દેવાની અને ઇજાફો અટકાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. વારંવાર અપમાનિત કરાતા હું સરકારી કચેરીમાં બેભાન થઇ જતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી મને એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આનંદપુરા (સોલૈયા)ની પ્રાથમીક શાળાનાં ઉપ.શિક્ષક રાઠોડ કરણજી ઉદાજીએ 16 ઓગસ્ટ 19નાં રોજ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને લકેલા પત્રમાં આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ‘આજે મારી માનસિક હાલત દિવસેને દિવસે બગડતી જાય છે. હું મારા શિક્ષણકાર્ય પર ધ્યાન આપી શકતો નથી. મને એવું લાગી રહ્યું છે કે આમને આમ હું પાગલ બની જઈશ અને મને આત્મહત્યા કરવાના વિચાર આવે છે. આથી જો તાલુકા શિક્ષણ અધિકારી નીરૂબેન પટેલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઇ શકતી હોય તો મને મારી ફરજમાંથી મુક્ત કરવા વિનંતી.