ગાંધીનગર : આજે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149 મી જન્મજયંતિ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ જન્મજયંતિની ઉજવણી કરવા પહોંચ્યા હતા. ગાંધીનગરમાં વિધાનસભા સંકુલમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને વિધાનસભા પોડિયમમાં સરદાર પટેલના શૈલી ચિત્રને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સરદાર પટેલ જન્મજયંતિ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા પોડિયમમાં સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશના તમામ નાગરિકોને પોતાનું કર્તવ્ય સમજવું જોઈએ કે સરદાર એવો પુરુષ જેમણે સ્વતંત્રતા વખતે પણ જનઆંદોલન અને લોકજાગૃતિ ઊભી કરવા માટે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. ત્યારબાદ સ્વતંત્રતા પછી પણ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનની છેલ્લી ક્ષણ સુધી સતત તેમને કામ કર્યા કર્યું છે. આજે જે ભારત દેશનું સ્વરૂપ છે, તેની અંદર સરદાર સાહેબનું ખૂબ મોટું અમૂલ્ય યોગદાન છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આખો દેશ એક થાય એના માટે પોતાની તબિયત ઠીક ન હોવા છતાં પણ પોતાની ચિંતા કરવાની જગ્યાએ પોતાના દેશની ચિંતા કરી તેવા સરદાર સાહેબને વંદન કરીએ.
વિધાનસભા સંકુલમાં ઉજવણી : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તેમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સાથે સંકલ્પ પણ કરીએ કે સરદાર સાહેબના મનની જે ઇચ્છા હતી કે આખો દેશ તમામ રીતે એક બને અને એકતાનું પ્રતીક એટલે સરદાર સાહેબે ધર્મ, પ્રાંત બધાથી ઉપર ઊઠીને રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રની એકતા માટે કામ કર્યું છે તેમાંથી પણ સતત આપણે શુભ પ્રેરણા લેતા રહીએ. ત્યારે ગુજરાતીઓ તો ભાગ્યશાળી છે કે આ ધરતી પર સરદાર સાહેબે જન્મ લીધો અને ગુજરાત પછી ભારત દેશને કર્મભૂમિ બનાવી રહ્યા, ભારતવાસીઓ આ બાબતે ગૌરવ લઈ શકે છે.
સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ : ગાંધીનગરમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ વિધાનસભા પોડિયમમાં સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જ્યારે આજના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા ઋષિકેશ પટેલ, મુળુભાઈ બેરા, ભાનુબેન બાબરીયા, ભીખુસિંહ પરમાર, ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ સહિત ગુજરાત વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.