ગાંધીનગર: સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં RTE હેઠળ બોગસ એડમીશન આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આવા બોગસ એડમીશન માટેની સૂચના આપવામાં આવી હતી. રાજ્યની કેબિનેટ બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગરીબ બાળક એડમીશન વગર રહી ન જાય તે માટે બોગસ રીતે લેવાયેલા 621 એડમીશન રદ કરવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
621 બોગસ એડમીશન રદ: રાજ્યના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે RTE હેઠળ શાળામાં બાળકોને પ્રવેશ સંપૂર્ણ પારદર્શી રીતે અપાયો છે પણ ખોટી રીતે એડમીશન મેળવેલ 621 બાળકોનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. આમ જ રૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી શકે અને ગરીબ બાળકો સાથે અન્યાય ન થાય તે માટે RTE પ્રવેશ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્યના 10 જિલ્લામાં ખોટી રીતે પ્રવેશ મેળવેલ હોય તેવા 621 બાળકોનો પ્રવેશ રદ કરાયો છે.
'RTE એકટ હેઠળ પોતાના બાળકનો પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે રાજ્યના કેટલાક વાલીઓ દ્વારા બાળકના નામ અને સરનામાં વગેરેમાં સામાન્ય ફેરફાર કરી ઓનલાઈન ફોર્મ ભરી ગેરરીતી આચરવામાં આવતી હોવાનું સરકારને ધ્યાને આવ્યું હતુ. આવા પ્રવેશ ફાળવાયેલ બાળકોની SSA સંચાલિત ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં વિગતો મેળવી જિલ્લા કક્ષાએ પુનઃચકાસી તેમનો પ્રવેશ રદ કરવા રાજ્ય કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવી છે.' -ઋષિકેશ પટેલ, રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન
કેટલા બાળકોને પ્રવેશ અપાયો?: રાજ્ય સરકારના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 54,903 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ દરમિયાન ગત વર્ષે ધોરણ-1માં અભ્યાસ કર્યો હોવા છતા આ વર્ષે RTE હેઠળ વાલીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ મેળવ્યાની બાબત જિલ્લા તથા રાજ્ય કક્ષાએ ધ્યાનમાં આવી હતી જે RTEની જોગવાઈઓની વિરુદ્ધ છે. વાલી દ્વારા RTE માટે ઓનલાઈન ફોર્મ ભરતા સમયે અને પ્રવેશ ફાળવતા સમયે એડમિટ કાર્ડમાં વાલી પાસેથી બાહેંધરી લેવામાં આવે છે કે, “મારૂ બાળક શૈક્ષણિક વર્ષ 2022-23 માં ધો-1/ધો-2માં કોઇપણ શાળામાં અભ્યાસ કરતું નથી જેની હું મારી જાણ મુજબ ખાતરી આપું છું. જો માહિતી ખોટી ઠરશે તો RTE હેઠળનો પ્રવેશ રદ થવા પાત્ર રહેશે”. આ બાહેંધરી અનુસાર ગેરરીતીથી પ્રવેશ મેળવેલ બાળકનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.