ગાંધીનગરઃ રાજ્યમાં કબજા સાથેના પાવર ઓફ એટર્ની હોય તો તેની નોંધણી ફરજિયાત કરવી જોઇએ. રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા વિધાનસભાના કાયદાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં હાલ કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત નથી.
રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજુ થતા દસ્તાવેજોમાં નોંધણી કર્યા વગરના નોટરી સમક્ષ થયેલા મુખત્યારનામાં (પાવર ઓફ એટર્ની) નો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે પક્ષકારોની મિલકત હડપ કરી લેવાના, છેતરપિંડી કરી દસ્તાવેજ નોંધણી કરાવી લેવાના ઘણા બધા બનાવો બનતા હતાં.
આવા નોંધણી કરાવ્યા વગરના મુખત્યારનામાનો ઉપયોગ કરી ખોટી રીતે છેતરપિંડીથી ભુમાફિયાઓ દ્વારા થતી પ્રવૃતિને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા આ સુધારા અધિનિયમથી કબજા વગરના પાવર ઓફ એટર્નીના લેખને પણ ફરજિયાત નોંધણીપાત્ર કરવામાં આવેલા છે. આમ હવેથી, મહેસૂલ વિભાગ દ્વારા સ્થાવર મિલકતના તમામ પ્રકારના કબજા સાથેના કે કબજા વગરના મુખત્યારનામાઓ(પાવર ઓફ એટર્ની) ની નોંધણી ફરજિયાત થશે.
મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોને પુરી પાડવામાં આવતી સેવાઓનો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે દેશભરમાં ડીજીટલ ઈન્ડીયાનું નવતર અભિગમ દાખવ્યો છે, ત્યારે રાજય સરકારે મહેસૂલી સેવાઓને વધુ સરળ બનાવવા અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે, ત્યારે દસ્તાવેજની હાલની નોંધણી પધ્ધતિ મુજબ દસ્તાવેજ નોંધણી માટે રૂબરૂ જવાનું હોય છે. પરંતુ આ સુધારા અધિનિયમથી કોઇ પણ વ્યક્તિ દસ્તાવેજની ઓનલાઇન નોંધણી કરાવી શક્શે.
જો કોઈ વ્યક્તિએ ઘરે બેઠાં ઓનલાઈન નોંધણી કરાવવી હોય તો, આઇ-ગરવી પોર્ટલ પર ઓનલાઈન દસ્તાવેજની નોંધણી તેમજ પેમેન્ટ પણ કરી શકશે. જોકે, ઓનલાઇન નોંધણી કરાવ્યાં બાદ વેરીફીકેશન માટે પક્ષકારોએ એક વખત સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જઈને તેમની સહી, અંગુઠાનું નિશાન અને કબુલાત/ઓળખાણ આપવાની રહેશે. ઓનલાઇન દસ્તાવેજની નોંધણીના માધ્યમથી નાગરિકો વધુ સુરક્ષિત, સરળ, ઝડપી અને પારદર્શી બનશે. જેથી ઓનલાઇન દસ્તાવેજની નોંધણી પ્રક્રિયાનો આ નિર્ણય નાગરિકો માટે મહત્વનો પુરવાર સાબિત થશે.
હાલમાં દસ્તાવેજો નોંધણી માટે દસ્તાવેજ કરી આપનારા અને દસ્તાવેજ કરાવી લેનારા તેમજ ઓળખ આપનારાના ઓળખના પુરાવા લેવામાં આવે છે. પરંતુ આ બાબતમાં અધિનિયમમાં કોઈ જોગવાઈ ન હતી. હવે આ સુધારા અધિનિયમથી પુરાવા લેવાની જોગવાઇ ઉમેરીને તેને વૈધાનિક પીઠબળ પૂરૂં પાડવામાં આવ્યુ છે.
કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા હરાજીથી અથવા એલોટમેન્ટ અથવા વેચાણથી આપવામાં આવતાં વેચાણપત્રોને ફરજિયાત નોંધણી પાત્ર બનાવેલા છે. કોઇ કોર્ટ કોઇ મિલકતના જપ્તીના હુકમ કરે તો તે હુકમનામાની નકલો પણ જે તે સબ રજીસ્ટ્રારના રેકર્ડ પર રહે તે માટે મોકલવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે અને જો આ અંગે કોઈ ચૂક થાય તો શિક્ષાની પણ જોગવાઈ દાખલ કરવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું હતું. રાજય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી નાગરિકોને ખૂબ જ મોટી રાહત થશે.