અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિધાનસભામાં કોંગ્રેસના દંડક અને રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસના ધારાસભ્યોનો મત જોવા માટે નિયુક્ત કરાયેલા શૈલેષ પરમારે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રાજ્યસભાની બે બેઠકો માટે પેટાચૂંટણીનું મતદાન હતુ.
કોંગ્રેસ દ્વારા બે ઉમેદવાર ઉતારાયા હતા. આ માટે કોંગ્રેસ પાર્ટીએ બધા ધારાસભ્યોને વ્હીપ મોકલ્યો હતો. ક્રોસ વોટિંગ કે ગેરહાજર ધારાસભ્ય સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી માટે પણ જણાવાયું હતુ. આજે મારી ઓથોરાઈઝ નિમણૂંક કરાઈ હતી. જેથી કોંગ્રેસના ધારાસભ્યોએ કોને મત આપ્યો તે મને બતાવવાનું હતુ.
દરમિયાન, ધારાસભ્ય અલ્પેશ અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતુ. વોટ નાખતા પહેલા જ મેં ચૂંટણી અધિકારીને બંનેનો મત નાખવા ન દેવા માટે જાણ કરી હતી, પરંતુ ચૂંટણી અધિકારીએ તે સમયે મત નાખવા દેવા જણાવ્યું અને જે પણ મુદ્દો હોય તેની રજૂઆત માટે જણાવ્યું, બાદમાં કોંગ્રેસ દ્વારા બંને સામે કાર્યવાહીની રજૂઆત કરાઈ છે.ચીફ ઈલેક્શન કમિશનમાં પણ ફરિયાદ મોકલી દેવાઈ છે.
તેમજ મતગણતરી પહેલા પહેલા ચૂંટણી પંચ બંનેના મત રદ્દ કરે તેવી માંગ કરી છે. રાજકીય પાર્ટી પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મેન્ડેટ આપે છે. કોઈ પણ પાર્ટીનો ધારાસભ્ય પાર્ટીના મેન્ડેટ પર જીતે છે. જેથી બંને ધારાસભ્ય પંજાના નિશાન પર જીત્યા છે. પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરીશું. મેન્ડેટને આધિન જઈ ક્રોસવોટિંગ કર્યું છે. બંને સામે કાર્યવાહી કરીશું. તે છ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે તે માટે ચૂંટણી પંચ અને કૉર્ટના દ્વાર ખખડાવીશું.