કૃષિ વિભાગના અગ્ર સચિવ સંજય પ્રસાદે કહ્યું કે, કંપનીના અધિકારીઓ અને મુખ્ય સચિવ સાથે બેઠક મળી હતી. જેમાં જણાવ્યું હતું કે, કંપનીએ ખેડૂતો ઉપર કેસ કરતા પહેલા સરકારનું ધ્યાન દોરવા જેવું હતું. જ્યારે પેપ્સિકો કંપનીના ડેપ્યુટી ડાયરેક્ટર જાગૃત કોટેચાએ કહ્યું કે, ખેડૂતો ઉપર કરવામાં આવેલા કેસ બાબતે મુખ્ય સચિવ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમે જણાવ્યું છે કે, હાલમાં આ બાબત કોર્ટમાં ચાલી રહી છે. ત્યારે જેમ-જેમ મુદ્દત પડશે તેમ-તેમ ખેડૂતો ઉપરના કેસ પરત લઈ લઈશું.
સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ સાથે મળેલી બેઠકમાં પેપ્સિકો કંપનીના અધિકારીઓને આ બાબતે કડક ભાષામાં કહેવામાં આવ્યું છે કે, તમારે કેસ કરતા પહેલા સરકાર સાથે વાટાઘાટો કરવા જેવા હતા. ખેડૂતો બાબતે સરકાર કંઈ પણ ચલાવી લેવા માંગતી નથી.