ગુજરાત વિધાનસભાના સત્રના બીજા દિવસે કોંગ્રેસના ગાંધીનગર બેઠકના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાએ સૌરાષ્ટ્રના જળાશયોને સૌની યોજના હેઠળ પાણી ભરવા માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે અને કેટલો નક્કી કરવામાં આવ્યો છે તે બાબતનો સવાલ કરતાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલે તેનો જવાબ આપ્યો હતો. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશએ સૌની યોજનાને લોકસભાની ચૂંટણીનો ખર્ચ કાઢવા માટે યોજના છે તેવો આક્ષેપ કર્યો હતો. જેના પર મુખ્યપ્રધાન સહિત ભાજપના તમામ ધારાસભ્યો પોતાની બેઠક ઉપર ઉભા થઇ ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, આ માત્ર તેમની લાગણી હતી.
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ બાબતે પોતાનો મત રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ હાર પચાવતા શીખે. ત્યારે ધાનાણીએ કહ્યું કે, કામ કર્યા વિના જ 100 કરોડ ચૂકવી શકાય ખરા ? પુંજા વંશના આક્ષેપ સામે ગૃહમાં ગરમાગરમી થઈ ગઈ હતી. અધ્યક્ષે ધારાસભ્ય પુંજા વંશને ઠપકો આપ્યો હતો. પુજાભાઈ વંશના શબ્દોને રેકોર્ડ ઉપરથી દુર કર્યા હતા. વિપક્ષના નેતા ધાનાણીએ, સૌની યોજનામાં કરવામાં આવેલી કામગીરી અને નક્કી કરવામાં આવેલી કામગીરીમાં જે વિસંગતતા જોવા મળી રહી છે તે સમજાવવા માટે પણ રજૂઆત કરી હતી.