વાલીએ જણાવ્યું હતું કે, મોટા ભાગની શાળાઓ FRCના નિયમ પ્રમાણે ફી લઇ રહી છે, પરંતુ કેટલીક શાળાઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવી છે. તેથી મેનેજમેન્ટ શાળા સંચાલન ન કરી શકતી હોય તો વાલીઓને સોંપી દેવી જોઈએ, અમે શાળાને ચલાવીશું.
શિક્ષણપ્રધાનના નિવાસસ્થાને પહોંચેલા વાલીઓ અને તેમના પિટિશનર ભાવિન વ્યાસે જણાવ્યું હતું કે, બે દિવસ બાદ 12 એપ્રિલે આ બાબતે કોર્ટમાં મુદત છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે આ બાબતે દિલ્હી પણ વાતચીત કરી છે. હવે એક જ દિવસ બાકી છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં શું ચર્ચા થાય છે, તેના બાદ પગલા લેવા વિચારી શકાય.
પિટિશનર દ્વારા સ્કૂલ સામે આકરા પગલા લેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. 40 કરતાં વધુ બાળકોના ભવિષ્યનો સવાલ છે, ત્યારે શાળાઓની આવી ગુંડાગીરી સહન કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ શાળા સંચાલકો ફી મામલે પોતાનું વલણ નહીં બદલે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી છે.
વાલીઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જે જગ્યાએ શાળા બનાવવામાં આવી છે, તેમાં નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. સંચાલકોને મફતના ભાવમાં જમીન આપવામાં આવી છે. જ્યાં શાળા બનાવી હાલમાં પ્રોફિટ કરવામાં આવી રહ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે, 12 તારીખની રાહ જુઓ ત્યારબાદ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે પ્રમાણેની કામગીરી કરીશું.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમની રજૂઆતને સાંભળવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં 12 એપ્રિલની મુદત પડી છે, ત્યારબાદ ચોક્કસ નિર્ણય કરીશું.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં FRCનો નિયમ લાવીને વાલીઓને મૂર્ખ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મોટા ભાગની સ્કૂલો દ્વારા માંગવામાં આવેલી ફીને કમિટીએ મંજૂર કરી છે. જ્યારે જે સ્કૂલો લાખો રૂપિયાની ફી ઉઘરાવી રહી છે, તેની સામે સરકાર ઘૂંટણીયે પડી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.