ગાંધીનગર વિજાપુર હાઇવે પર ગ્રામભારતીમાં આવેલી સંસ્થા ખાતે ડો. એ.પી.જે.અબ્દુલ કલામ ઇગનાઇટ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે દેશના તમામ રાજ્યોમાંથી ધોરણ 12 સુધીના બાળકોને પોતાની સર્જનાત્મકતા અને મૌલિકતા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે રોજિંદા જીવનની સમસ્યાઓને હલ કરી તેને કેવી રીતે સરળ બનાવી શકાય તેવા એવોર્ડ વિજેતા 21 વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું પ્રદર્શન માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નિહાળ્યું હતું. જેમા ગાંધીનગર જિલ્લાની બે શાળાના વિદ્યાર્થીઓને પણ એવોર્ડ મળ્યો હતો.
આ પ્રસંગે એવોર્ડ વિજેતા બાળકોને અભિનંદન આપતા તેમને જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં અને ઇકોનોમીમાં નવા ઇનોવેશન અને આઈડિયા મહત્વનો ભાગ ભજવી શકે છે. વિદ્યાર્થી જીવનએ સાહસથી ભરપૂર છે. ત્યારે આવા નવા સંશોધન અને નવા વિચારોને અમલમાં લાવીને દેશની સાથે સાથે લોકોને પણ મદદમાં આવી શકે અને લોકો તેનો લાભ મળી શકે છે. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.