ગાંધીનગર તાલુકામાં આવેલા નદીકિનારાના ગામડામાં આદમખોર દીપડો આતંક મચાવી રહ્યો હતો. અનેક પશુઓના મારણ કરીને પશુપાલકોને નુકશાન કરાવ્યું હતું. ગ્રામજનો દીપડાના ડરથી ભયભીત થઇ ગયા હતાં. 13 ઓકટોબરે દોલારાણા વાસણા ગામના પેટાપરુ બાપુપુરામા દીપડો ત્રાટક્યો હતો. ગામની છેવાડે રહેતા તલાજી ભવાનજી ઠાકોરના વાડામાં બાંધવામાં આવેલા ભેસના બચ્ચાનું મારણ કર્યું હતું. વનવિભાગ દ્વારા દિપડાને પકડવાની કામગીરી પણ કરવામાં આવી હતી. જેને લઈને બીજા દિવસે 14 ઓક્ટોબરે દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો.
એક દીપડો પાંજરે પુરાયા બાદ તેના બે દિવસમાં પીંડારડા ગામની સીમમાં રહેતા પશુપાલકોના પશુઓને ઉપર હુમલો કર્યો હતો. હવે ફરીથી વનવિભાગે તેને પકડવાની કામગીરી કરી હતી, પરંતુ પકડાયો નહતો. છેલ્લા ત્રણ મહિનાથી દીપડાને લઈને કોઈ સમાચાર સામે આવ્યા નહોતા, પરંતુ આજે બુધવારે વહેલી સવારે દોલારાણા વાસણા ગામની સીમમાં સુરસંગજી ભવાનજી ઠાકોરના ખેતરમાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા ગ્રામજનો અને ખેડૂતો ભયભીત થઈ ગયા છે. જેને લઈને ફરીથી સાબિત થઈ ગયું ગયું છે કે, હજુ પણ સાબરમતી નદીની કોતરોમાં દીપડો આંટાફેરા કરી રહ્યો છે.