ગાંધીનગરઃ નીતિન પટેલને રાજસ્થાન ભાજપના સહ પ્રભારી બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાને છત્તીસગઢ રાજ્યના સહપ્રભારી તરીકે પસંદ કરાયા છે. બન્ને ગુજરાતી નેતાઓને હિન્દી રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન પટેલને તો એ પહેલાથી જ ઉત્તરાખંડ, યુપી એમ બે રાજ્યની જવાબદારી સોંપાઈ છે.
મોટું સમીકરણઃ આ બંન્ને રાજ્યમાં તેઓ પ્રભારી પદે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીને રાજસ્થાન ભાજપના ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. હરિયાણાના કુલદિપ બિશ્નોઈને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સહપ્રભારી ઓમ પ્રકાશ માથુર સાથે સહ પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે. આ નિર્ણયને એક મોટા સમીકરણ તરીકે જોવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં ભૂપેન્દ્ર યાદવ અને માંડવિયાને જવાબદારી સોંપવામાં આવી છે. માંડવિયા મધ્યપ્રદેશ ભાજપના પણ સહ-પ્રભારી પદે છે.
દક્ષિણમાં ડગ ભરાશેઃ કર્ણાટકમાં મોટી પછડાટ લાગ્યા બાદ ભાજપ કોઈ પણ કાળે તેલંગણામાં કમળ ખીલવવા માગે છે. આ માટે ભાજપે પ્રકાશ જાવડેકર અને સુનિલ બંસલને જવાબદારી સોંપી છે. જોકે, આ પ્રદેશ ભાજપ માટે નવો છે. કારણ કે અત્યાર સુધી અહીં સ્થાનિક પાર્ટીઓનો દબદબો યથાવત રહ્યો છે. બીજી બાજું તેલંગણામાં મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ પણ યુદ્ધના ધોરણે પ્રચારમાં ઊતર્યા છે.
રાજ્યસભાના ઉમેદવારો પર નજરઃ દિલ્હીમાં આવેલા ભાજપના મુખ્યાલયમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જુદા જુદા મુદ્દાઓને ધ્યાને લઈને એક સમીક્ષા બેઠક પર કરી હતી. શુક્રવારે સી.આર. પાટીલ પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે કોનું નામ જાહેર કરવામાં આવે છે એના પર સૌની નજર રહેલી છે. રાજ્યમાંથી કેટલાક ઉમેદવારનું લીસ્ટ હાઈકમાન્ડને સોંપવામાં આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણી માટે સોમવારે ફાઈનલ લીસ્ટ જાહેર થાય એવી પૂરી શક્યતાઓ છે.