શિયાળુ વિધાનસભા સત્રમાં પ્રથમ દિવસે રાજ્ય સરકારે પ્રશ્નોતરી દરમિયાન લેખિતમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજ્યમાં આઇપીએસ અધિકારીઓની ઘટ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત કેડરને કુલ 208 જેટલી મહેકમ મંજૂર કરવામાં આવી છે. જેમાં અત્યારે 161 આઇપીએસ રાજ્યમાં કાર્યરત છે. જ્યારે 20 જેટલા આઇપીએસ અધિકારીઓ દિલ્હી ખાતે કેન્દ્ર સરકારમાં ફરજ બજાવી રહ્યા છે. આમ અત્યારે કુલ 47 જેટલા આઇપીએસ અધિકારીની ઘટ હોવાથી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની ઘટ મામલે રાજ્ય સરકારની બેવડી નીતિ હોવાનું સામે આવે છે. જુલાઈ માસમાં વિધાનસભા સત્રમાં રાજ્ય સરકારે જ પ્રશ્નોતરીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલની સ્થિતિએ 65 IAS અધિકારીઓની ઘટ છે. જેને ક્યારે ભરવામાં આવશે. આ અંગે પૂછતા સરકાર કહી રહી છે કે, IASની જગ્યા ભરવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અરજી કરી છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યને 28 IAS અધિકારીઓ મળ્યા, પરંતુ અનેક અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટશન પર મોકલાઈ રહ્યા છે. આમ વર્તમાન સમયમાં આઇએએસ અને આઇપીએસની અનેક જગ્યાઓ ખાલી હોવાની પણ વાતો સામે આવી છે.