ગાંધીનગર : વિધાનસભાનું સત્ર ૨૬ ફેબ્રુઆરીના રોજ મળનારી છે. તેને ધ્યાનમાં લઈને આજે વિધાનસભામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા સત્ર દરમિયાનના કામકાજની સમીક્ષા કરવામાં આવી હતી.
વિધાનસભા સત્ર બાબતે રાજ્યના સંસદીય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધાનસભામાં મળનારી બેઠકો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ૨૬ ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં રાજ્યનું વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ કરશે, ત્યારબાદ ચાર દિવસ રાજ્યપાલના પ્રવચન ઉપર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં અનેક એવા કાયદાઓ છે જે વર્તમાન સમયમાં સુધારો કરવાની જરૂરીયાત છે તેવા કાયદાઓમાં સુધારો કરવામાં આવશે અને વિધાનસભા ગૃહમાં આ કાયદાને પસાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર હાજર રહ્યા હતા. જેમાં તેઓએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પહેલા 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા સત્ર મળશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત આવી રહ્યા છે. તેના કારણે બે દિવસ સત્ર પાછળ ઠેરવવામાં આવ્યું છે. જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ બે દિવસની માગ કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે આ માગ સ્વીકારી નથી. જેના કારણે રાજ્યની જનતાના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ શકશે નહીં તેવો પણ આક્ષેપ શૈલેષ પરમારે કર્યા હતા.
આમ, વિધાનસભાનું સત્ર 24 ફેબ્રુઆરીના રોજ બજેટથી શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ૧૦ જેટલા કાયદાઓમાં સુધારો કરવામાં આવશે. 22 દિવસ ચાલનારા સત્રમાં ૨૫થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.