ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના રમતગમત પ્રધાન હર્ષ સંઘવી દ્વારા ખેલ મહાકુંભ 2.0 ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજથી ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ તકે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતના યુવાનો ડ્રગ્સ તરફ નહીં પરંતુ ખેલ તરફ આગળ વધે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. ગુજરાતના યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય તથા રમતગમત ક્ષેત્રે ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકાય તેને ધ્યાનમાં લઈને જ ખેલ મહાકુંભ 2.0 નું રજીસ્ટ્રેશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ખેલ મહાકુંભની શરુઆત : હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2010 માં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી આવી હતી. જેમાં શરૂઆતમાં સમગ્ર ગુજરાતમાંથી ફક્ત 16 લાખ જેટલા જ રમતવીરોનું રજીસ્ટ્રેશન થયું હતું. ત્યારે ગયા વર્ષે એટલે કે વર્ષ 2022 માં 55 લાખ રમતવીરો ખેલ મહાકુંભમાં જોડાયા હતા. વર્ષ 2023 માં આ આંકડો 55 લાખથી પણ વધુ થાય તેવી પણ શક્યતા છે. જ્યારે રાજ્યકક્ષાની રમતમાં વિજય થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ રીતે પ્રમોટ કરવામાં આવે તે માટે પણ ગુજરાત સ્પોર્ટ્સ લીગનું આયોજન કરવામાં આવશે.
કુલ 45 કરોડના ઈનામ : હર્ષ સંઘવીએ વધુમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં વધુમાં વધુ યુવાનો ભાગ લે અને યુવાઓમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપમેન્ટ થાય તેને ધ્યાનમાં લઈને આ વર્ષે ખેલાડીઓને જીતની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કુલ 45 કરોડના ઇનામ રાખવામા આવ્યા છે. જ્યારે કોઈપણ વિજેતા ઉમેદવારને રોકડ પુરસ્કારમાં ઇનામ મળશે નહીં, પરંતુ લાભાર્થી વિજેતા ઉમેદવારોના બેંક ખાતામાં 2 દિવસની અંદર જ સહાય ચૂકવી દેવામાં આવશે.
રમતગમત ક્ષેત્રે સૌથી મોટો ફાળો રમતવીરના માતા-પિતાનો હોય છે. જ્યારે રમતગમતના ઉપેક્ષાથી ખેલોના સૂત્ર સાથે બહાર આવીએ. હવે રમતવીરોને રાજ્ય સરકાર પાસેથી જે જોઈતું હોય, જે રમતમાં આગળ વધતું હોય અને રમતગમત ક્ષેત્રે કોઈપણ મુશ્કેલી હોય તો સીધા રમતગમત પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરો એટલે તે મુશ્કેલીઓ પણ દૂર થશે. -- ભૂપેન્દ્ર પટેલ (ગુજરાતના મુખ્યપ્રધાન)
4 નવી રમત : ખેલ મહાકુંભમાં 25 જેટલી જ રમતનો સમાવેશ થયો હતો. ત્યારે આ વખતે વધુ ચાર નવી રમતોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. સાથે જ ખેલ મહાકુંભમાં under 9 સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે નવી રમતની વાત કરવામાં આવે તો ફૂટબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલની રમતનો સમાવેશ કરીને કુલ 39 રમતોમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટ્સ લીગનું આયોજન : ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓ અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગના ખેલાડીઓ વચ્ચે સ્પોર્ટ્સ લીગનું પણ આયોજન કરાશે. જેથી ખેલ મહાકુંભના ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળી શકે. ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
રમતવીરોને પ્રોત્સાહન : હાલમાં ચાઇનામાં એશિયન ગેમ્સ ચાલી રહી છે. ગુજરાતના 18 ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ભાગ લીધો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એશિયન ગેમ્સમાં જે ગુજરાતના ખેલાડીઓ ભાગ લીધો છે તે તમામ ખેલાડીઓને પાંચ પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય રકમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત આવનાર દિવસોમાં શક્તિ દૂત યોજના કે જેમાં ગુજરાતના રમત ગમત ક્ષેત્રને તૈયાર કરવાની આખી યોજના છે. તેમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવશે. આમ આ યોજના અંતર્ગત 2022- 23 માં 64 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યારે ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રે નાણાકીય વર્ષ 2023-24 માં કુલ 293 કરોડ રૂપિયાના સ્પોર્ટ્સ બજેટની પણ જાહેરાત કરી હતી.