ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિવિધ કેડરમાં ફરજ બજાવતા વર્ગ-2, વર્ગ-3 અને વર્ગ-4ના અંદાજે 12,692થી વધુ ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને અપાતા વેતનમાં બમણો વધારો કરાયો છે. જેના પરિણામે રાજ્ય સરકારને વધારાનું રૂ. 92.40 કરોડનું વાર્ષિક ભારણ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયના પરિણામે એસ.ટી. નિગમના કર્મીઓને દિવાળીની ભેટ મળતાં ઉલ્લાસ પૂર્વક ઉજવી શકશે. આ નિર્ણયનો લાભ 16 ઓક્ટોબર 2019થી મળશે.
પગાર વધારો કરાયો છે તેમાં સિનિયર અધિકારી વર્ગ-2નો 16,800 રૂપિયા પગાર હતો, જે 40 હજાર કરાયો છે. જુનિયર અધિકારી વર્ગ-2નો 14,800 રૂપિયા પગાર હતો જે 38 હજાર કરાયો છે. સુપરવાઈઝર વર્ગ-3 નો 14,500 રૂપિયા પગાર હતો જે 21 હજાર કરાયો છે. ડ્રાઈવર કમ કંડક્ટરનો 11 હજાર રૂપિયા પગાર હતો જે વધારીને 18 હજાર રૂપિયા કરાયો છે. એકમ કક્ષા વર્ગ-3નો 10 હજાર રૂપિયા હતો, જેને 16 હજાર રૂપિયા કરાયો છે. વર્ગ-4ના કર્મીઓનો 9 હજાર રૂપિયા પગાર હતો તેને 15 હજાર રૂપિયા કરાયો છે.