- ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યુ લોકાર્પણ
- ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે કરી તૈયારીઓ
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક લોકોને ઓક્સિજનની તકલીફ પડી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજનની તંગી ત્રીજી લહેરમાં ન થાય તે માટે અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગરના માણસા તાલુકામાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન બને તે માટે વહીવટી તંત્ર બન્યું સજ્જ
ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયારીઓ શરૂ કરી
રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ બાબતે નિવેદન આપ્યું હતું કે, બીજી લહેરમાં રાજ્યની જે પરિસ્થિતિ થઈ હતી, તેવી પરિસ્થિતિ ત્રીજી લહેરમાં ન થાય તેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અથવા તો અમુક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ વર્ષે હવે રાજ્યના એક પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બેસવાના બાંકડા આપવામાં નહીં આવે, પરંતુ તમામ ધારાસભ્ય ફરજિયાત રીતે પોતાના વિધાનસભા વિસ્તારમાં 50 લાખ રૂપિયા મેડિકલ સાધન સામગ્રી માટે આપવાના રહેશે. આ બાબતે રાજ્ય સરકારે પણ સત્તાવાર જાહેરાત અગાઉ કરી છે.
ત્રીજી લહેર ના આવે તે માટે બાધા રાખવા પણ તૈયાર
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ત્રીજી લહેર માટે વિશેષજ્ઞો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં અને દેશમાં ત્રીજી લહેર ન આવે તે માટે હું બાધા રાખવા પણ તૈયાર છું. જ્યારે ત્રીજી લહેર માટેની રાજ્ય સરકારે તમામ તૈયારીઓ ઝડપથી હાથ ધરી છે અને તમામ જગ્યાએ ઓક્સિજનની તકલીફ ન પડે તે માટેનું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે.
15 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો, 60 લોકોને અપાઈ શકે છે ઓક્સિજન
માણસાની હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે અને તેનું ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્લાન્ટની વિશેષતાની જો વાત કરવામાં આવે તો, આ પ્લાન્ટ ફક્ત પંદર દિવસની અંદર જ ઇન્સ્ટોલ કરીને શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે એકસાથે 60થી વધુ દર્દીઓને ઓક્સિજન સપ્લાય આપી શકાય તેવી વ્યવસ્થા પણ માણસાની જનરલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.
તમામ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ મુકાય તેવી વ્યવસ્થા કરાઇ
આમ આવનારા સમયમાં રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ મુકાય તેવી પણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે.