ઘટનાની વિગતો પ્રમાણે માણસા શહેરમાં રહેતાં આરતીબેન ઓડ છેલ્લા ચારેક મહિનાથી અડાલજ પોલીસ સ્ટેશનમાં મહિલા લોક રક્ષક તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2013માં તેમના લગ્ન આકાશ ગોવિંદભાઈ ઓડ (રહે-શીલજ) સાથે થયા હતા. ત્યારે આરતીબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્નના એકાદ વર્ષથી જ પતિ અને સાસુ-સસરા સાથે મનમેળ રહ્યો ન હતો. કારણ કે પતિ ખોટો વહેમ રાખી મારતો હતો અને સાસુ-સસરા પણ ત્રાસ ગુજારતા હતા.
એક ડિસેમ્બરના રોજ તેઓ મુખ્યપ્રધાનના બંદોબસ્તમાં અડાલજ મહારાજા હોટેલ નજીક તૈનાત કરાયા હતા. ત્યારે સવારે 9.30ના અરસામાં ત્યારે સસરા ગોવિંદભાઈ અને સાસુ કૈલાશબેન આવ્યા હતા. બંને જણાએ ગાળાગાળી કરી આરતીબેનને માર માર્યો હતો. મહિલા પોલીસ પર જાહેરમાં હુમલા થતાં દોડી આવેલા લોકોએ તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા.
નોકરી પૂરી કરીને આરતીબેન માણસા પોતાના પિયર ગયા હતા, પરંતુ સોમવારે દુ:ખાવો થતાં તેઓને માણસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર બાદ તેમણે પતિ, સાસુ-સસરા સામે અડાલજ પોલી સ્ટેશનમાં શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.