ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને પગલે મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં સર્જાયેલ પરિસ્થિતિમાં આરોગ્યની પરિસ્થિતિ બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારની કામગીરી પર સતત આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે પાણી ઓસર્યા બાદ તાત્કાલિક ધોરણે આરોગ્યની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
'અસરગ્રસ્ત ભરૂચ, નર્મદા, વડોદરા અને આણંદમાં આરોગ્યની ટીમ રાહત કામગીરીમાં જોડાઈ છે. 18થી 21 સપ્ટેમ્બર દરમિયાન ચાર જિલ્લાના 121 ગામોના 4 લાખથી વધુ વ્યક્તિઓનું આરોગ્યકર્મીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ 82,620 ક્લોરીન ટેબ્લેટ અને 56,400 ORSનું વિતરણ કરાયું હતું. 70 સરકારી એમ્બ્યુલન્સ અને 73 જેટલી 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવામાં રાખવામાં આવી છે. રાજ્યકક્ષાએથી દવાઓનો વધારાનો જથ્થો ભરૂચને 2,10,000 ક્લોરિન ટેબલેટ, વડોદરાને 1,20,000 ક્લોરિન ટેબલેટ, નર્મદાને 2,10,000 ક્લોરિન ટેબલેટ ફાળવી દીધી છે.' - ઋષિકેશ પટેલ, આરોગ્ય પ્રધાન
હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી: પાણી જન્ય રોગ જેવા કે કમળો, ટાઇફોઇડ, કોલેરા, ઝાડા ઉલ્ટી, મરડો જેવા પાણીજન્ય રોગો તથા મેલેરિયા, ડેગ્યું અને ચિકનગુનિયા જેવા વાહક્જન્ય રોગોને પ્રસરતા અટકાવવા માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી વધું સધન કરવામાં આવશે. જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીને દરેક 10 ગામો દીઠ નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યકક્ષાએથી મોનિટરીંગ સેલ દ્વારા સમગ્ર સ્થિતિનું રીયલ ટાઇમ સુપરવિઝન કરાશે.
1273 આરોગ્ય કેન્દ્રો કાર્યરત: ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે અસરગ્રસ્ત ચાર જિલ્લાઓમાં 3 જિલ્લા હોસ્પિટલ, 4 પેટા જિલ્લા હોસ્પિટલ, 37 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 174 પ્રાથમિક આરોગ્યકેન્દ્રો, 1055 જેટલા સબ સેન્ટર આમ કુલ 1273 જેટલા આરોગ્ય કેન્દ્રો ઉપરાંત 20 મોબાઇલ હેલ્થ યુનિટ દર્દીઓની સેવા-સુશ્રુષામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે. ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કંટ્રોલ રૂમ નંબર 079-23250818 કાર્યરત, ભરૂચ-02642-252472, વડોદરા-02652-2438110, નર્મદા-02640-221806 અને આણંદ-02692-243222 જિલ્લા-કોર્પોરેશન કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.
રોગચાળો વકરે નહીં તે માટે આયોજન: અસરગ્રસ્ત ચારેય જિલ્લાઓની તમામ હોસ્પિટલમાં, આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી તમામ દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તમામ સરકારી લેબોરેટરીમાં પાણીજન્ય, વાહક જન્ય, વેક્સિનથી પ્રિવેન્ટેબલ ડીસીઝ વગેરે રોગો સંલગ્ન બ્લડ અને યુરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાત દિવસની સધન ઝુંબેશમાં કમળો, ટાઇફોઇડ, કોલેરા, ઝાડા ઉલ્ટી, મરડો જેવા પાણીજન્ય રોગો તથા મેલેરિયા ડેગ્યું તેમજ ચિકનગુનિયા જેવા રોગોને પ્રસરતા અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા અને આશા વર્કરો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને પાણીની તપાસ હાથ ધરાઈ છે.