ગાંધીનગર : કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર કોલેજ અને યુનિવર્સિટી સહિત ગુજકેટની પરીક્ષા પણ યોજી ન હતી. ત્યારે હવે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા લીલી ઝંડી મળવાને કારણે હવે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ સાથે જ ગુજકેટની પરીક્ષા પણ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજકેટની પરીક્ષા 22 ઓગસ્ટના દિવસે યોજાશે. અગાઉ આ પરીક્ષા 30 જુલાઈના રોજ યોજાવાની હતી. આ પરીક્ષામાં કુલ 1,25,781 વિદ્યાર્થીઓ હાજર રહેશે.
જ્યારે યુનિવર્સિટી પરીક્ષા બાબતે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ યુનિવર્સિટીને પરીક્ષાની તૈયારી સાથે જ આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા અને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબત સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્ય સરકારે યુનિવર્સિટીઓને આપેલી સૂચનાઓ
- અંતિમ વર્ષ તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષાઓ માટે તૈયારી કરવામાં આવે
- દરેક યુનિવર્સિટી દ્વારા પોતાના વિસ્તારની પરિસ્થિતિને ધ્યાને લઇને તેમજ વિદ્યાર્થીઓ ફેકલ્ટી અને સ્ટાફની આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પ્રોટોકોલ મુજબ 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં પરીક્ષા પૂર્ણ કરી શકશે
- આ પરીક્ષાઓ ઓફ લાઈન અને ઓનલાઇન લઇ શકાશે
- પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયારી કરવા પૂરતો સમય આપવામાં આવે અને વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવે
- જે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લામાં અથવા તો પોતાના વતનમાં જતા રહ્યા છે તેવા વિદ્યાર્થીઓને ફક્ત પરીક્ષા માટે જ પરત બોલાવવામાં આવે
- જે વિદ્યાર્થીઓ વિદેશ જતા રહ્યા છે તેમના માટે ફરજિયાત પણે ઓનલાઇન પરીક્ષાઓ યોજવી
- હોલ ટિકિટ માટે ઓનલાઇન વ્યવસ્થા કરવી
- કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ વિદ્યાર્થીઓનું સોશિયલ ડિસ્ટન્સ સેનેટાઈઝર નો ઉપયોગ અને માસના ઉપયોગ સાથે પરીક્ષા યોજવી
ઉલ્લેખનીય છે કે, ETV BHARAT દ્વારા 7 જુલાઈના રોજ ગુજરાત સરકાર સપ્ટેમ્બર માસ પહેલા પરીક્ષા યોજશે તેવો ખાસ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, ત્યારે બુધવારે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યની તમામ યુનિવર્સિટીમાં 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.
7 જુલાઈના રોજ પ્રકાશિત થયેલો અહેવાલ
- કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા સોમવારે મોડી સાંજે દેશની તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા યોજવા માટેની લીલીઝંડી આપી દીધી છે, ત્યારે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવા માટેની તૈયારીઓ હાથ ધરી છે. જ્યારે આ તકે ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં પરીક્ષા યોજાશે, તેવી વાતો સામે આવી છે.