ગાંધીનગર: લાંબા સમયના વિલંબ પછી ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020-2025ને આખરી ઓપ આપવામાં આવ્યો અને તેને જુલાઇ મહિનામાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.
આ પોલિસીમાં નવા મૂડીરોકાણને આકર્ષવા માટે અનેક પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે, એટલું જ નહીં સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે એક મહિનામાં કોઇપણ નવો પ્રોજેક્ટ શરૂ થાય તે માટે ઝડપથી મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટે હાલ કામ ચાલી રહ્યું છે. અમે જુલાઇમાં જાહેર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આ પોલિસીમાં હયાત ઉદ્યોગો તેમજ નવા આવનારા ઉદ્યોગો માટે અનેક પ્રોત્સાહનો જાહેર કરવામાં આવશે. બીજી તરફ CM વિજય રૂપાણીના નિવાસસ્થાને છેલ્લા સપ્તાહથી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની આખરી ઓપ આપવા માટે મેરેથોન બેઠકો યોજાઇ રહી છે.
શુક્રવારે છેલ્લી બેઠક હતી ત્યારબાદ પોલિસીને આખરી ઓપ આપવા માટે ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
પોલિસીના આધારે ગુજરાતની 2021ના જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં ઉદ્યોગોને અનેક પ્રોત્સાહન અપાશે. નવી પોલિસીના ડ્રાફ્ટમાં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે.
જ્યારે દેશના અન્ય રાજ્યોની ઔદ્યોગિક સ્થિતિ તેમજ વધતા જતાં મૂડીરોકાણને પણ ધ્યાને લેવામાં આવ્યું છે. ગુજરાતની નવી ઉદ્યોગ નીતિમાં રાજ્યમાં ઉદ્યોગ સ્થાપિત કરવા માગતા ઉદ્યોગ જૂથોનો જલસા પડી જાય તેવી જોગવાઇ કરવામાં આવી છે.
આ નીતિના ડ્રાફ્ટની વિગતો જોતાં તેમાં પહેલીવાર લેન્ડ બેન્કનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. એ સાથે ઉદ્યોગો માટે વધુ પ્રોત્સાહનો તેમજ ઝડપી મંજૂરીઓ માટેનું વ્યવસ્થા તંત્ર ઉભું કરવામાં આવી શકે છે. ઉદ્યોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, નવી નીતિ અંગે CM સમક્ષ પ્રેઝન્ટેશન થયાં છે. જેમાં મુદ્દાની બાબતોને ધ્યાને લેવામાં આવી છે.
નવી ઉદ્યોગ નીતિ ગયા ડિસેમ્બરમાં જાહેર કરવાની હતી પરંતુ સરકારે તેમાં કેટલાક સુધારા સૂચવતાં નીતિની જાહેરાત થઇ શકી ન હતી.
રાજ્યની હાલની ઉદ્યોગ નીતિ 31મી ડિસેમ્બરે પૂર્ણ થઇ છે પરંતુ નવી નીતિ ન બને ત્યાં સુધી જૂની નીતિના લાભોને ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હવે સરકાર જુલાઇ મહિનામાં 2020--2025ની નવી નીતિની જાહેરાત કરશે.
રાજ્ય સરકાર નવી નીતિમાં બીજા વધુ સેક્ટરોનો સમાવેશ કરવા જઇ રહી છે. ખાસ કરીને આર્થિક ક્ષેત્ર ઉપરાંત કૃષિ સેક્ટરને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એ ઉપરાંત એરોસ્પેસ્, ડિફેન્સ, સ્ટાર્ટઅપ મિશન, ટેકનોલોજી અને સર્વિસિઝ તેમજ હોસ્પિટાલિટીને સામેલ કરવામાં આવશે. નવી નીતિમાં રોજગારીની તકોને પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે.
ગુજરાતની નિકાસને ટારગેટ બનાવીને સરકારે ખાસ પ્રકારના નિકાસલક્ષી ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં ટેક્સટાઇ, હીરા, ફાર્મા, રસાયણ, એન્જીનિયરીંગ, ચાઇનીઝ માટીની ચીજવસ્તુઓ, તૈયાર કપડાં, ડીઝલ એન્જીન જેવા ક્ષેત્રોમાં પણ વધારે પ્રોત્સાહન આપવા માગે છે.
ઉપરાંત આ વખતે સરકારે નવી નીતિમાં બાગાયતી ક્ષેત્રનો વધારે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે, કારણ કે આ ક્ષેત્ર વધારે રોજગાર આપી શકે છે અને નિકાસ પણ વધારી શકે છે.
રાજ્ય સરકારે નવી નીતિમાં 19 જેટલા વિવિધ સેક્ટરોની પ્રોફાઇલ બનાવી છે. જે રાજ્યના 33 જિલ્લાઓને અસર કરે છે. અગાઉની નીતિમાં સરકારે માત્ર 12 સેક્ટરો માટે કામ કર્યું હતુ જેમાં આ વખતે વધુ 7 સેક્ટરોનો ઉમેરો કર્યો છે.