ભારત સરકાર દ્વારા સુગ્રથિત લોજિસ્ટીક ઇકોસિસ્ટમને પ્રેરણા આપવાના હેતુથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોજીસ્ટીકસ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાયો – મંતવ્યો મેળવીને તથા ઓન લાઇન સર્વે હાથ ધરીને આ લિડસ ઇન્ડેક્ષની રચના કરવામાં આવી હતી. આ ઇન્ડેક્ષના પેરામીટર્સમાં રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે રોડ – રેલ નેટવર્ક, પોર્ટસ એન્ડ એરપોર્ટસ, વેર હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ તેમજ સર્વિસ પ્રોવાઇડર દ્વારા અપાતી સેવાઓમાં નિર્ધારિત સમયમર્યાદામાં ડીલીવરી, એક સ્થળેથી બીજા સ્થળે માલ-સામાન પહોચાડવાની સરળતા, માલ-સામાનની ટ્રેસેબિલીટી, સિકયુરિટી અને ઓપરેટીંગ એન્ડ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ તહેત કાયદો વ્યવસ્થા, લેબર લોઝ, મંજૂરીઓમાં પારદર્શીતા જેવા કી ઇન્ડીકેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતે આ ઇન્ડીકેટર્સમાં સતત બીજા વર્ષ પ્રથમ રેન્કીંગ મેળવ્યું છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં 3.92, સર્વિસીસમાં 3.80, સમય પાલનમાં 3.70, ટ્રેસેબિલીટી ઓફ ગુડસમાં 3.53 અને સ્પર્ધાત્મક કિંમતોમાં 3.45 ગુણાંક મેળવ્યા છે. પંજાબ અને આંધ્રપ્રદેશ ગુજરાત પછીના સ્થાને રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઇન્ડેક્ષ લોજિસ્ટીકસ સેવાઓને બહેતરીન બનાવવાના દિશાદર્શક તરીકે કામ કરે છે. ખાસ કરીને નિકાસને વેગ આપવામાં લોજિસ્ટીકસ સર્વિસીસની અસરકારતા મહત્વનું ઇન્ડીકેટર છે.
ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે રોકાણકારોના પસંદગીના રાજ્ય તરીકેનું જે ગૌરવ મેળવેલું છે તેને આ લિડસ ઇન્ડેક્ષ –2019માં રાજ્યના અવ્વલ દરજ્જાથી વધુ વેગ મળશે. જ્યારે સતત ગુજરાત બીજા વર્ષે પણ દેશમાં પ્રથમ રાજ્ય તરીકે સાબિત થાય રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની આ વધુ એક ગૌરવ સિદ્ધિ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા હતાં.