ગાંધીનગર : રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ડુંગળી અને બટાકાના મબલક પાક ઊતર્યો છે. બજારમાં અનેક ગણો માલ આવ્યો છે, પણ કોઈ વેપારીઓ માલની ખરીદી કરવા માટે તૈયાર નથી. જેથી ડુંગળીના પાકે ખેડૂતોની આંખમાં પાણી લાવી દીધા છે. જેથી આજે કિસાન સંઘ દ્વારા રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સાથે બેઠક કરીને સરકાર ખેડૂતોના માલ માટે સહાય આપે નિકાસની વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી છે.
ડુંગળી ના પાકે ખેડૂતોને રડાવ્યા : કિસાન સંઘનું કહેવું છે કે, આ વર્ષે ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનમાં ડુંગળીના પાકનું સારું ઉત્પાદન થયું છે, પરંતુ બજારમાં ડુંગળીના ભાવ એકદમ તળિયા પર આવી ગયો છે. જેથી ખેડૂતની આંખમાં પણ અત્યારે ડુંગળીના પાકને લઈને પાણી આવી ગયું છે. માલ વેચાતો નથી અને ડુંગળી એ એવો પાક છે કે જેને વધારે દિવસ સુધી રાખવાથી તે બગડી જાય છે. એ ઉપરાંત ગુજરાતમાં ડુંગળીના પાકની સુરક્ષિત રાખવા માટેની અમુક વ્યવસ્થાઓ પણ પૂરતી ન હોવાના કારણે આજે રાજ્ય સરકાર અને કિસાન સંઘ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં કિસાન સંઘના આગેવાન આર.કે. પટેલે રાજ્ય સરકાર ડુંગળી પકાવતા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે અને ડુંગળીના પાકની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Onion Market Price : ખેડૂતોને માલામાલ કરતી ડુંગળી પૂરતો ભાવ ન મળતા ખેડૂતોને કંગાળ કરી રહી છે
બટાકાના ભાવ પણ નીચા : ભારતીય કિસાન સંઘના આગેવાન આર.કે. પટેલે ડુંગળી બાદ બટાકાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં બટાકાનું મબલક ઉત્પાદન થયું છે, ત્યારે હાલમાં બટાકાના ભાવ પણ 70 રૂપિયા પાંચ કિલો ભાવ બોલાય છેે. આ બાબતે પણ રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે નિર્ણય કરે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન વેચવાનો વારો ન આવે જ્યારે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોની મદદ કરી છે, ત્યારે આવી પરિસ્થિતિમાં પણ સરકાર ડુંગળી અને બટાકાના ઉત્પાદનમાં સ્ટોરેજ અને વેચાણ તથા નિકાસ માટેની સારી વ્યવસ્થા ઊભી કરે તથા ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરવામાં આવી છે.
ગૃહિણીઓ સ્ટોક કરે : કિસાન સંઘના આગેવાન આર.કે. પટેલે વિનંતી કરી હતી કે, જે રીતે અત્યારે ડુંગળી અને બટાકાના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે બજારમાંથી સ્ટોક ઓછો કરવા માટે ગૃહિણીઓ પોતાના ઘરમાં અમુક દિવસોનો સ્ટોક કરે. જેથી બજારની પરિસ્થિતિ કાબૂમાં આવે અને ખેડૂતોને પોતા પ્રમાણમાં ભાવ મળે આમ, ચાલુ સિઝનમાં ખેડૂતોને બટાકા અને ડુંગળીના ભાવમાં ખૂબ જ નીચા પ્રમાણમાં આ વખત થઈ રહી છે. ખેડૂતોએ કરેલો ખર્ચ પણ ઉપજ તો નથી જેથી મહિલાઓ પણ પોતાના કરે સ્ટોક કરીને ખેડૂતોને મદદ કરે.