ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કામગીરીની ખરીદી GeM પોર્ટલ પરથી જ કરવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર મુક્તના સૂત્રોથી તમામ વિભાગો કાર્યરત છે. GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને સાત એવૉર્ડ પ્રાપ્ત થયા છે.
કઈ કેટેગરીમાં ગુજરાતને મળ્યા એવોર્ડ: ગુજરાત સરકારના પારદર્શક વહીવટ બદલ રાજ્યને સાત એવૉર્ડ સાથે વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(DPIIT) વિભાગ દ્વારા આયોજિત ‘ક્રેતા-વિક્રેતા ગૌરવ સન્માન સમારોહ-૨૦૨૩’ અંતર્ગત રાજ્ય સરકારને DPIIT દ્વારા ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્લેટિનમ કેટેગરીમાં એક, ગોલ્ડમાં ત્રણ અને સિલ્વર કેટેગરીમાં ત્રણ એમ કુલ 7 એવૉર્ડ એનાયત કરાયાં છે, જે રાજ્ય સરકારની જાહેર ખરીદીમાં પારદર્શિતા અંગેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આત્મનિર્ભરતા તરફ કૂચ: આ વિશેષ સન્માન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GeM અંતર્ગત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને તેમના નોંધપાત્ર યોગદાન માટે અભિનંદન આપ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, આવા પ્રયાસો ભારતની સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા તરફની યાત્રાને મજબૂત બનાવે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) દ્વારા જાહેર ખરીદી માટે વિવિધ કેટેગરીમાં ગુજરાતને વિજેતા તરીકે પસંદ થતા જોઈને મને આનંદ થાય છે. આ પુરસ્કારો પારદર્શક અને ખર્ચ-અસરકારક જાહેર ખરીદી પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટેની તેની સફળ નીતિઓનું પ્રતિબિંબ છે.
ગુજરાત સરકારને નીચે મુજબના વિશિષ્ટ પુરસ્કારોથી સન્માન પ્રાપ્ત થયું
- પ્લેટિનમ એવૉર્ડ
૧. મહિલા સાહસિકો માટે કુલ વેપારી મૂલ્ય (697 કરોડ) - ગોલ્ડ એવૉર્ડ્સ
૧. ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યૂ (GMV) થી મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝીસ (MSEs) (3195.4 કરોડ)
૨. સૌથી વધુ સર્વિસીસ પ્રોક્યોરમેન્ટ (2151.3 કરોડ)
3. કુલ ઓર્ડર મૂલ્ય (7963.8 કરોડ) - સિલ્વર એવોર્ડ્સ
૧. ઓર્ડરની સૌથી વધુ સંખ્યા (2,99,718 )
૨. ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યૂ (GMV) થી સ્ટાર્ટઅપ (218 કરોડ)
૩. શ્રેષ્ઠ જોડાણ (ટ્રાન્ઝેક્શન કરનારા ખરીદદારોની સૌથી વધુ સંખ્યા-9553)
દેશના કરદાતાઓના નાણાંની બચત : પિયુષ ગોહેલ: આ સિવાય કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલે પણ દેશના જાહેર ખરીદીના ક્ષેત્રમાં પરિવર્તનકારી બદલાવ માટે GeM પુરસ્કારો મેળવનારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, GeMના વધતા ઉપયોગને કારણે દેશના કરદાતાઓના નાણાંની બચત થઈ છે, જે જનકલ્યાણ માટેની યોજનાઓના વધુ સારા ઉપયોગમાં પરિણમ્યો છે.
40,000 કરોડની બચત: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો દ્વારા માલ અને સેવાઓની ઑનલાઇન ખરીદી માટે ગવર્નમેન્ટ ઈ-માર્કેટ (GeM) પોર્ટલ તા. 9 ઓગષ્ટ 2016 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તા. 31મી માર્ચ, 2023 ના રોજ GeMએ નાણાંકીય વર્ષ 2022-23 માં આશ્ચર્યજનક રૂ. 2 લાખ કરોડ ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુ (GMV) નોંધાવી હતી. સંચિત રીતે, GeM તેના હિતધારકોના જબરજસ્ત સમર્થન સાથે, તેની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં રૂ. 4.29 લાખ કરોડના GMVને વટાવી ગયું છે. GeM પર કુલ વ્યવહારોની સંખ્યા પણ 1.54 કરોડને વટાવી ગઈ છે. GeM 69,000 થી વધુ સરકારી ખરીદદાર સંસ્થાઓની વિવિધ ખરીદી અંગેની જરૂરિયાતો પૂરી કરે છે. આ પોર્ટલ 11,800 થી વધુ પ્રોડક્ટ કેટેગરી તેમજ 280 થી વધુ સર્વિસ કેટેગરી ધરાવે છે. વિવિધ અભ્યાસોના આધારે, પ્લેટફોર્મ પર લઘુત્તમ બચત લગભગ 10 ટકા છે, જે આશરે રૂ. 40,000 કરોડના મૂલ્યના જાહેર નાણાંની બચત કરે છે.