ગાંધીનગર: CM રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં શ્રમજીવીઓ, રોજે રોજનું કમાઈને જીવન જીવતા લોકો, કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે.
CM રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોના વાઇરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત PM મોદીએ કરી છે. તેવી સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંવેદના સાથે રાજ્ય સરકારે ચિંતા કરીને આ મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યારે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે.
CM વિજય રૂપાણીએ ભાઇ-બહેનોને ફરી એકવાર અપીલ કરી છે કે, આ 21 દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય, આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો રાજ્યમાં પૂરતી માત્રમાં છે. એટલે તેનો સંગ્રહ કરવા કે, આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની કોઇ જરૂર નથી.