ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. એ જ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિની તસવીરો સામે આવી રહી છે. સરકારે ગુજરાત વિધાનસભામાં 3 વર્ષ સુધીના ડેટા રજૂ કર્યા છે. છેલ્લા 3 વર્ષમાં શિક્ષણ બજેટની વાત કરવામાં આવે તો વર્ષ 2020-21માં 31,955 કરોડ, વર્ષ 2021-22માં 32,719 કરોડ અને વર્ષ 2022-23માં 34,884નું શિક્ષણનું બજેટ ગૃહમાં રજૂ થયું હતું. આમ કરોડો રૂપિયા બજેટ હોવા છતાં શિક્ષણની વરવી પરિસ્થિતિ ગૃહમાં સામે આવી છે.

ક્યાં વિષયના કેટલા શિક્ષકોની ઘટ: કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજ્યમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યના 34 શહેર અને જિલ્લામાં કુલ 312 જેટલા વિષયવાર ઘટ હોવાનું સામે આવ્યું છે. જ્યારે સૌથી વધુ સામાજિક વિજ્ઞાનના 107 જેટલા શિક્ષકોની ઘટ સામે આવી છે.

માત્ર 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી: કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે રાજ્યમાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓ બાબતનો પ્રશ્ન કર્યો હતો. રાજ્યના જિલ્લાઓમાં સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી કેટલી શાળાઓ કાર્યરત છે અને છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી નવી શાળાઓની પરવાનગી આપવામાં આવી છે. તેમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 31 માર્ચ 2023ની પરિસ્થિતિએ ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 7 સરકારી શાળા, પંચમહાલ, પાટણ, જામનગર, અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.

લાયકાત વગરના શિક્ષકો: કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે 31 માર્ચ 2023ની સ્થિતિએ રાજ્યમાં RTE હેઠળ પ્રાથમિક શાળામાં લાયકાત ન ધરાવતા કેટલા શિક્ષકો કામ કરે છે તેવો પ્રશ્ન કર્યો હતો. જેમાં શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યના 12 જિલ્લામાં 1885 શિક્ષક લાયકાત વગરના છે. જેઓ 760 શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે. આવા શિક્ષકો કેમ હજી કાઢવામાં નથી આવ્યા. ત્યારે સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે તાલીમી શિક્ષકો ન મળવાથી શિક્ષકોને દૂર કરવામાં આવ્યા નથી. આવા શિક્ષકો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સરકારે લેખિતમાં જણાવ્યું હતું.


ઓરડાઓની ખરાબ પરિસ્થિતિ: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીએ બાબતના અનેક પ્રહારો કર્યા હતા. ત્યારે ઓરડાઓની પરિસ્થિતિ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રશ્ન કર્યા હતા. જેમાં 31-3-23ની સ્થિતિએ જર્જરિત ઓરડા અને પતરાના છતવાળી પ્રાથમિક શાળાની સંખ્યા બાબતની માહિતી સરકારે આપી હતી. જેમાં કુલ 34 જિલ્લામાં 2574 જેટલી શાળા જર્જરીત ઓરડા ધરાવે છે, જ્યારે 7599 શાળાઓ હજુ પણ પતરાની છત નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. આગામી વર્ષોમાં ઝડપથી સારા ઓરડા બનાવવામાં આવશે તેવો જવાબ પણ સરકારે આપ્યો હતો.
