ગાંધીનગર : રાજ્યમાં ચોમાસા સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાની તમામ કામગીરી નેવા એપ્લિકેશનના માધ્યમથી કરવામાં આવશે. ત્યારે ગુજરાત વિધાનસભા દ્વારા તમામ ધારાસભ્યોને 2 ટેબલેટ આપવામાં આવશે. જે અંતર્ગત છેલ્લા 5 દિવસથી ધારાસભ્યની ટ્રેનીંગ શરૂ કરવામાં આવી છે. જેમાં આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 30 મિનિટ સુધી ટ્રેનીંગ સેશન એટેન્ડ કર્યું હતું. ઓનલાઇન કામગીરી, સુરક્ષા, ટેબલેટના ફીચર્સ સહિત તમામ બાબતની અધ્યક્ષે CM ભૂપેન્દ્ર પટેલને માહિતી આપી હતી.
ધારાસભ્યોનું ટ્રેનિંગ સેશન : ગુજરાત વિધાનસભામાં આજે અમદાવાદ અને ગાંધીનગરના ધારાસભ્યનું ટ્રેનિંગ સેશન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન અને વિધાનસભા ગૃહના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલે પણ અડધો કલાક સુધી ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો. જેમાં નેવા એપ્લીકેશન અને ટેબલેટના મારફતે વિધાનસભાની કામગીરી બાબતની ટ્રેનિંગ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ચોમાસા સત્રથી ગુજરાત વિધાનસભા ઈ-વિધાનસભા થવાની છે. ત્યારે તમામ ધારાસભ્યોને 25-25 લોકોની પેરમાં આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ટ્રેનિંગ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા.
હાઈ ટેકનોલોજીના ટેબલેટ : કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ઉપર જ ટેબલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ટેબલેટ શરૂ કરશે ત્યારે જ તેઓની હાજરી પુરાઈ જશે. જેથી પેપર કે મસ્ટરમાં હાજરી પુરવાની રહેશે નહીં. ઉપરાંત ડેટાની કોઈ પણ પ્રકારની ચોરીના થાય તે માટે એપલ કંપનીના ટેબલેટ પર પસંદગી ઉતારવામાં આવી છે. કોઈ પણ ધારાસભ્ય બીજા ધારાસભ્યના ટેબલેટનો ઉપયોગ ન કરી શકે તે માટે આઈ ડિટેક્શન સિક્યુરિટી રાખવામાં આવી છે.
તમામ કામગીરી ઓનલાઇન : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની તમામ કામગીરી જેવી કે પ્રશ્નોત્તરી, વિભાગનો રિપોર્ટ, 116 નોટિસ, ધારાસભ્યોને વિધાનસભાને લખતા અથવા તો અધ્યક્ષને લખાવનાર પત્ર સહિતની તમામ સુવિધા ઓનલાઈન રાખવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં કયા ધારાસભ્યો બોલી રહ્યા છે તે પણ અન્ય ધારાસભ્યને ખબર પડે તે રીતની વ્યવસ્થા ટેબલેટની સ્ક્રીન ઉપર રાખવામાં આવી છે.
ઈ-વિધાનસભા : ધારાસભ્યની કેટલા મિનિટની સ્પીચ બાકી છે અને કેટલા મિનિટ બોલવાની પરવાનગી આપવામાં આવી છે, તે તમામ બાબતોનો સમાવેશ આ ડિજિટલ ઈ-વિધાનસભામાં કરવામાં આવ્યો છે. ઉપરાંત અધ્યક્ષને કોઈ ધારાસભ્યને ટિપ્પણી અથવા સૂચન કરવું હશે તો અધ્યક્ષ સીધા જે તે ધારાસભ્યને જ ટેબલેટના મારફતથી નોટિસ મોકલી શકશે.