ગાંધીનગર : કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ બેકાબુ બની હતી અને ત્યારે પણ માર્ચ મહિનામાં જ ધીમે ધીમે કેસમાં વધારો થઈ રહ્યો હતો. ત્યારે બે વર્ષ બાદ ફરીથી માર્ચ મહિનામાં જ ગુજરાતમાં કોરોનાના કેસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કુલ 90 પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના વકર્યો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 90 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં કુલ 336 જેટલા કેસ હાલમાં એક્ટિવ છે. જેમાં પાંચ કેસ વેન્ટિલેટર ઉપર અને 331 દર્દીઓ અત્યારે સ્ટેબલ હોવાનું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એકસાથે નવા 49 જેટલા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ મહેસાણા જિલ્લામાં 10, રાજકોટ કોર્પોરેશનના 8, સુરત કોર્પોરેશનમાં 6, સાબરકાંઠા જિલ્લામાં 5, બરોડા કોર્પોરેશનમાં 5, પોરબંદર અને રાજકોટમાં 2 તથા અમરેલી વધુ વલસાડ જિલ્લામાં એક એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
નવા ફ્લુ કેસોનો સર્વે : ગુજરાતમાં જે રીતે પોતાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ કોર્પોરેશન વિસ્તારમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત નવો જે ફ્લૂ હાલમાં H3N2 નામનો વાયરસ ફેલાઈ રહ્યો છે. તેમાં બરોડા કોર્પોરેશનમાં એક શંકાસ્પદ મૃત્યુ પણ નોંધાયું છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન સહિત તમામ જિલ્લાઓની લેબોરેટરીમાં નવા વાયરસની તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને જેટલા પણ કેસ પોઝિટિવ આવી રહ્યા છે. તે તમામ કેસનું નિરીક્ષણ નવા વાયરસ પ્રમાણે પણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવા વાયરસ H3N2માં પણ કોરોનાની જેમ પહેલા સામાન્ય તાવ, ગળુંં દુઃખવું, હાથપગ રીતે ખૂબ છાતીમાં કફ જામવા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે.