ગાંધીનગર : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ અને અન્ય વિપક્ષો દ્વારા ઇન્ડિયા ગઠબંધન જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ઉત્તર ઝોનમાં આવતી લોકસભાના પ્રભારીએ આજે ગાંધીનગરમાં કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી હતી. ત્યારે મીડિયાના નિવેદનમાં રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા બેઠક જીતવા માટે કોંગ્રેસનું સંપૂર્ણ આયોજન તૈયાર થયું છે. સમયસર તેનું પાલન પણ કરવામાં આવશે. જ્યારે અત્યારે આ બાબતે કોઈ જ પ્રકારની જાહેરાત કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે નહીં.
ગુજરાત કોંગ્રેસ ઉત્તર ઝોનની બેઠક : ગુજરાત કોંગ્રેસ ઉત્તર ઝોનના પ્રભારી રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ પક્ષના ઉત્તર ઝોનના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી છે. જેમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષની કામગીરી કેવી રહેશે અને લોકસભાની ચૂંGujaટણી બાબતે કયા પ્રકારનું આયોજન કરી શકાય, તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં ઉત્તર ઝોનના સંગઠનમાં પણ ફેરફાર કરીને સંગઠનમાં વધુમાં વધુ યુવાનો જોડાઈ અને સંગઠન વધુ મજબૂત બને તે રીતનું આયોજન પણ આજની બેઠકમાં કરવામાં આવ્યું છે.
INDIA ગઠબંધન : ઉત્તર ઝોનના પ્રભારી રામકિશન ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષો દ્વારા INDIA ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશના 70 જેટલા રાજકીય પક્ષો કોંગ્રેસ સાથે છે. ભાજપ પક્ષ સાથે ફક્ત 30 જેટલા જ રાજકીય પક્ષો છે. જેથી ભાજપ સરકાર અને પક્ષ બંને બોખલાઈ ગયા છે. તેના કારણે જ 33 ટકા મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું છે.
ભાજપ સરકારમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. મોંઘવારીએ માજા મૂકી છે. મધ્ય પ્રદેશમાં ગેસનો બાટલો 400 રૂપિયાની આસપાસ મળે છે, તે બાટલો ગુજરાતમાં 1000 રૂપિયાની આસપાસ મળે છે. આમ ગુજરાતમાં ક્યાં મુદ્દે જનતાની વચ્ચે જવું, કેવી રીતે જવું તે તમામ બાબતે પણ આયોજન કરવામાં આવશે. -- રામકિશન ઓઝા (પ્રભારી, ગુજરાત કોંગ્રેસ ઉત્તર ઝોન)
ભાજપ પર આકરા પ્રહાર : રામકિશન ઓઝાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગાંધીનગર લોકસભા બેઠક પરથી સાંસદ દેશના ગૃહપ્રધાન અમિત શાહ છે. ત્યારે દેશના અત્યારના માહોલથી જનતા ત્રસ્ત થઈ ચૂકી છે. ત્યારે મને નથી લાગતું કે, અત્યારે અમારે મુદ્દા જનતાની જોડે લઈ જવાની જરૂર છે. જનતા ખુલ્લી આંખોથી સોશિયલ મીડિયાના માધ્યમથી બધું જોઈ અને સમજી રહ્યા છે. અમે જનતા જોડે જઈશું અને તેમને બતાવીશું કે આ લોકો જે કરી રહ્યા છે તે ખરાબ કરી રહ્યા છે. ગાંધીનગર લોકસભાની ભૂતકાળની વાત કરવામાં આવે તો અમે ખૂબ જ સારો પ્રયાસ કર્યો અને સારી ફાઈટ આપી છે. જ્યારે રણનીતિ વાત કરવામાં આવે તો અમે પૂરી તાકાત સાથે કાર્યકર્તાઓના મનોબળ સાથે લડવા માટે તૈયાર છીએ. પરંતુ રણનીતિ બહાર ચર્ચા કરવા માટે નહીં પરંતુ અમે રાજનીતિ માટે સંપૂર્ણ છીએ. અમે જનતા વચ્ચે જઈને તેમના દ્વારા કરવામાં આવેલ કામ, મોંઘવારી અને અમદાવાદ અને ગાંધીનગરની પરિસ્થિતિ સહિત તમામ બાબતે જવાબ આપીશું.