ગાંધીનગર : કેન્દ્ર સરકાર હોય કે ભાજપ સરકાર હોય ખેડૂતોનું આવક વધે તે માટે સતત અનેક પ્રકારની યોજનાઓ અને સહાય માટેની જાહેરાત કરવામાં આવે છે. જ્યારે ચૂંટણી સમયે ખેડૂતોને આવક આવનારા દિવસોમાં બમણી થશે તેવી રાજકીય પક્ષો દ્વારા જાહેરાત કરવામાં આવે છે એવા જ સમયે ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં અતારાંકિત પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જણાવ્યું હતું કે સરકાર પાસે ખેડૂતોની આવક ગણતરી માટે કોઈ વ્યવસ્થા તંત્ર જ નથી.
કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો હતો : પ્રશ્ન કોગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજ્ય સરકાર પાસે ખડૂતોની આવકની ગણતરી માટેની વ્યવસ્થા બાબતે સવાલ પુછ્યો હતો. જે વિધાનસભા દ્વારા અતાંરાંકિત પ્રશ્નોત્તરીમાં હતો. પ્રશ્નમાં 31 માર્ચ 2023ની આખરી સ્થિતિએ વર્ષ 2022 માં ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી તેમજ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડી અને સઘન વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારાકેવા પગલાં લીધા છે અને ખેત ઉત્પાદનમાં વધારો કરવાની સાથેસાથે અન્ય કૃષિલક્ષી બાબતોમાં સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે? તેની જાણકારી માગવામાં આવી હતી.
સરકારે આપ્યો લેખિતમાં જવાબ : સરકારે ખેડૂતોની આવક ગણતરી બાબતે રાજ્ય સરકારના કૃષિપ્રધાન પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જણાવ્યું હતું કે, પ્રતિવર્ષે ઘરગથ્થુ ઉત્પાદન આધારે સરકારે ખેડૂતોની આવક નક્કી કરી છે. વર્ષ 2011-12થી 2021-22 વચ્ચેના ઘરઘથ્થુ ઉત્પાદન વધતાં સરકારનો દાવો છે કે રાજ્યમાં ખેત ઉત્પાદનમાં 98015 કરોડથી વધીને 2,34,316 કરોડનું ઉત્પાદન થયું છે.
આ રીતે ડબલ ગણી ખેડૂતોની આવક : આ આવક આધારે સરકારે ખેડૂતોની આવકની ગણતરી દર્શાવી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થતા સામાજિક, આર્થિક સમીક્ષા પ્રકાશન મુજબ ગુજરાત રાજ્યની વર્ષ 2011-12 ના ચાલુ ભાવે, વર્ષ 2011-12 થી વર્ષ 2021-22 ઝડપી અંદાજોના સમયગાળાનું રાજ્યનું કૃષિ ક્ષેત્ર પશુપાલન ક્ષેત્ર સહિતનું એકંદર ઘરઘથ્થુ ઉત્પાદન 98,015 કરોડથી વધીને 2,34,316 કરોડ થયેલ છે. આમ, એકંદરે ખેડૂતોની આવકમાં વધારો થવા પામ્યો છે.
કયા ફેક્ટર પર બમણી આવકની ગણતરી : ખેડૂતોની આવકમાં બમણો વધારો કરવાને લઇને જે ગણતરીમાં લેવાયા તેવા મુદ્દાઓમાં ખેતી હેઠળનો વિસ્તાર વધારવો, ખેત ઉત્પાદકતા વધારવી, ખેતી ખર્ચ ઘટાડવો, સંસાધન ક્ષમતા ઊભી કરવી, ખેડૂતોની ખેતપેદાશોના પૂરતા ભાવ મળવા, હાઈટેક બાગાયતને પ્રોત્સાહન, ડેરી પશુપાલનનો વિકાસ, જોખમ વ્યવસ્થાપન,સ્કિલ અપગ્રેડેશન, એગ્રો પ્રોસેસિંગ માટે સુવિધા ઊભી કરવી,સ્ટોરેજ વેરહાઉસ સુવિધા ઊભી કરવી, નવીન ટેક્નોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન,કૃષિ સંલગ્ન પૂરક વ્યવસાયને પ્રોત્સાહન, પૂરક રોજગારીની તક ઊભી કરવી અને મૂલ્ય વૃદ્ધિનો સમાવેશ થાય છે.
બિપરજોયમાં કેન્દ્ર સરકારે ન કરી મદદ : ગુજરાત વિધાનસભા ગૃહની તારાંકિત પ્રશ્નોત્તરીમાં બિપરજોય વાવાઝોડા બાબતે સરકારને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી મદદ માંગી હતી અને પત્ર વ્યવહાર પણ કર્યાં હતાં. તેમ છતાં કેન્દ્ર સરકાર પાસેથી મદદ પ્રાપ્ત થઈ ન હતી. જ્યારે રાજ્ય સરકારે ત્યારબાદ ફક્ત 2 જિલ્લામાં 240 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં 240 કરોડ રૂપિયાની સહાય પેકેજ બાગાયતી અને કૃષિ પાકના નુકસાન માટે જાહેર કરવામાં આવ્યું હતું.