ગાંધીનગર : વર્તમાન સમયમાં કેન્સર, ડાયાબીટીસ, હાર્ટએટેક જેવી બીમારીઓ હવે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાસાયણિક ખેતીમાંથી મુક્તિ અને પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને વાળવા માટેનું આહવાન કર્યું છે. આચાર્ય દેવવ્રતે એવું નિવેદન આપ્યું હતું કે, વર્તમાન સમયમાં એક પણ જગ્યાએ ખાવા પીવાની વસ્તુઓ શુદ્ધ નથી. ધરતીમાં એટલું ઝેર નાખી દીધું છે કે, તમામ ફળ-ફ્રુટ અને ધાન્ય-પાક સ્લો પોઈઝન બની ગયા છે.
ખેડૂતોને અપીલ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નિવેદન આપ્યું હતું કે, 22 જુલાઈએ ગુજરાતના રાજ્યપાલ તરીકે મારે ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પરંતુ બે વર્ષ કોરોના કાળના કારણે પ્રાકૃતિક ખેતીમાં વધારે ધ્યાન આપી શકાયું નથી. પરંતુ છેલ્લા અઢી વર્ષમાં ગુજરાતના 7,13,000 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. માર્ચ 2023 થી જુલાઈ સુધીમાં વધુ 10,39,000 ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં 14,485 જેટલી ગ્રામ પંચાયતમાંથી 5233 ગ્રામ પંચાયતમાં 75 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય 3,679 ગામમાં પણ પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરશે. આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં જન આંદોલન રૂપે પ્રાકૃતિક ખેતીને લેવામાં આવશે.
યુરિયા ધીમું ઝેર : કેન્દ્રીય રસાયણ અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાત રાજભવન આવ્યા હતા. તેઓએ રાજભવનમાં રાજ્યપાલ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન રાજ્યપાલ બેઠક બાબતે જણાવ્યું હતું કે, મનસુખ માંડવીયાએ વિદેશમાંથી ભારતના ખેડૂતો માટે 2.5 કરોડ રૂપિયાનો યુરિયા ડીએપી ખાતર આયાત કર્યું હતું. આ ખેડૂતોએ ખાતરની ખરીદી કરી અને ધરતી માતાને ખાતર રૂપી ઝેર આપ્યું હતું. આમ ધરતીમાં એટલું ઝેર નાખી દીધું છે કે, તમામ વસ્તુઓમાં હાલમાં સ્લો પોઈઝન આવી ગયું છે. તેની અસર ઇમ્યુનિટી સિસ્ટમ પર પડે છે અને તેનું પરિણામ હાર્ટ એટેક, ડાયાબિટીસ અથવા તો અન્ય બીમારી સ્વરૂપે વ્યક્તિઓમાં આવે છે.
વૈજ્ઞાનિકો દ્વારા ભારત દેશની જમીન ઉપજાવ છે કે નહીં તે બાબતે રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં રિપોર્ટ આવ્યો છે કે, ભારત દેશની જમીન 0.5 ટકા ઉપજાઉ જમીન છે. ઉપરાંત જે દેશની જમીનમાં કાર્બનનું પ્રમાણ 0.5 ટકા હોય તેવા દેશની જમીનને બંજર જમીન તરીકે ઓળખવામાં આવે છે. જેથી હવે ભારત દેશની જમીન ફરી ઉપજાવ રૂપી જમીન કરવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી છે. આમ પ્રાકૃતિક ખેતી માટે ગાયનું ગોબર ખૂબ મહત્વનું સાબિત થઈ શકે છે.-- આચાર્ય દેવવ્રત (રાજ્યપાલ, ગુજરાત)
પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થા : રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને પાણીની પણ ખૂબ જ ઓછી જરૂર પડે છે. રાસાયણિક ખેતીમાં જેટલા પાણીની જરૂર પડે છે તેનાથી 60 ટકા ઓછા પાણીની જરૂર પ્રાકૃતિક ખેતીમાં પડે છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ 1400 કરોડ રૂપિયાનું ફંડ પ્રાકૃતિક ખેતી માટે આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારે તમામ APMCમાં પ્રાકૃતિક પાકોના વેચાણ માટે પણ અલગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. રાસાયણિક ખેતીથી ઉત્પાદિત પાકોનું વેચાણ આ કેન્દ્ર ઉપર કરવામાં આવતું નથી.
ખેડૂતોને ખાસ તાલીમ : ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સરકાર દ્વારા તમામ જિલ્લાઓ અને તાલુકાઓના 10 ગ્રામ્ય વિસ્તારનો ક્લસ્ટર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 10 ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતની માહિતી અને તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 21,63,000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.