ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોમાં રાજ્ય સરકારે ગત 2 વર્ષમાં રાજ્યમાં થયેલા ગુનાની ઘટનાઓની માહિતી આપી હતી. જેમાં રાજ્ય સરકારે પ્રશ્નોત્તરી દરમિયાન લેખિતમાં જણાવ્યું હતું કે. ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે, પરંતુ જે રીતે છેલ્લા 2 દિવસથી સુરતમાં અને કચ્છમાં દારૂ પાર્ટીની ઘટના સામે આવી છે. જ્યારે ગત 2 વર્ષમાં ગુજરાતમાં રાજ્યની પોલીસને દારૂ અને દારૂના અડ્ડા વિશે કુલ 9,081 જેટલી ફરિયાદ પ્રાપ્ત થઈ છે. જેમાં સૌથી વધુ 4,984 જેટલી ફરિયાદ અમદાવાદ જિલ્લામાં નોંધાઈ છે. સુરત જિલ્લામાં 1989 ફરિયાદ નોંધાઈ છે.
આમ વિધાનસભા ગૃહમાં જે રીતના આંકડાઓ સામે આવ્યા હતા, તેને ધ્યાનમાં લઇને રાજ્યમાં પ્રતિદિન 2થી 3 હત્યાના બનાવ અને 3થી 4 દુષ્કર્મના બનાવો બનતા હોવાનું સામે આવ્યું છે. આ માટે રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં રાજ્યમાં બનતા અલગ અલગ ક્રાઇમની ઘટનાઓ અને દારૂ બાબતે જવાબ આપ્યાં હતાં.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કયા પ્રકારના ગુના કેટલા નોંધાયા તેની વિગત...
પ્રકાર | સંખ્યા |
લૂંટ | 2,491 |
ખૂન | 2,034 |
ધાડ | 559 |
ચોરી | 25,723 |
દુષ્કર્મ | 2,720 |
અપહરણ | 5,897 |
આત્મહત્યા | 14,702 |
ઘરફોડ | 7,611 |
રાયોટિંગ | 3,305 |
આકસ્મિક મૃત્યુ | 29,298 |
અપમૃત્યુ | 44,081 |
હત્યાનો પ્રયાસ | 2,183 |
ગૌમાંસ અને ગૌવંશ સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગાય માતાના નામે મતોના ધૃવીકરણની રાજનીતિ બંધ કરે, ગાય માતાના રક્ષણ માટે અમારી સરકાર હર-હંમેશ કટીબધ્ધ છે. ગાય માતામાં 36 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે અને ગાય માતા અમારી આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક છે. એટલે જ અમારી સરકાર ગૌવંશ રક્ષણ બાબતે સહેજ પણ ઢીલાશ ચલાવી લેવા માગતી નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ ધરતી પર જેને ગાય માતા ઉપર દયા આવતી નથી, તેના પર આ સરકારને પણ ક્યારેય દયા નહી આવે. સરકારે કાયદામાં કરેલા સુધારા બાદ હવે અગાઉની સાપેક્ષમાં ગૌ-હત્યાની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમારી સરકાર જેટલી રામ મંદિરના નિર્માણ માટે કટીબદ્ધ છે, એટલી જ ગૌ-હત્યા અટકાવવા માટે પણ કટીબદ્ધ છે.