ગાંધીનગર વ્યાજના વીષચક્રમાં ફસાઈને અનેક લોકોએ છેલ્લા કેટલાય ઘણા સમયથી આત્મહત્યા કરી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડના આંકડા પ્રમાણે, ગુજરાતમાં વ્યાજના ખપ્પર નીચે જીવતા 500થી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી. ત્યારે રાજ્ય સરકારે હવે વ્યાજખોરોના આતંકનો ખાતમો કરવાની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર કેવી રીતે આવા કેસનો ઉકેલ લાવશે તે અંગે જોઈએ આ અહેવાલ.
આ પણ વાંચો હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું
લોક દરબાર કરીને પ્રશ્નો સાંભળવામાં આવશે ગુજરાતમાં વ્યાજખોર અને લઈને અનેક જિલ્લાઓમાં જિલ્લા SP અને રેન્જ આઈજી દ્વારા લોક દરબાર કરીને લોકોના પ્રશ્નોને એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તેમ જ વ્યાજખોરોના ત્રાસ નીચે જીવતા લોકોની અરજીઓ લેવામાં આવી રહી છે. ત્યારે આ તમામ અરજીઓની સ્ક્રિટિની કરવામાં આવશે. તેમ જ તાત્કાલિક ધોરણે આ તમામ કેસોનું નિવારણ કરવામાં આવશે.
આવી રીતે થશે નિરાકારણ રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બંને પક્ષોને સાંભળવામાં આવશે અને કોઈને નુકસાન ન થાય તે રીતે નિર્ણય લેવામાં આવશે. કેટલાક વ્યક્તિઓએ વ્યાજે પૈસા લીધા હોય પણ પૈસા પરત ન આપવા હોય એટલે તેમણે અરજી કરી હોય છે. આવા કેસમાં બંને પક્ષને સાંભળીને કેસનું નિરાકરણ કરવામાં આવશે.
વ્યાજ વધુ વસૂલનારા સામે થશે કાર્યવાહી તેમણે ઉંમેર્યું હતું કે, જે લોકો વધુ વ્યાજ વસૂલી અને ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલ કરતા હશે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ, વ્યાજે પૈસા આપનારા લોકોને મુદ્દલ પણ પ્રાપ્ત થાય અને લોકો વ્યાજખોરના ત્રાસ નીચે હોમાય નહીં તેવી રીતે તમામ કેસોના નિકાલ કરવામાં આવશે.
કોણ આપી શકે છે વ્યાજ પર પૈસા નાણાં ધીરનારના એસોસિએશનના સભ્યે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બજારમાં 2 પ્રકારે વ્યાજ પર પૈસા આપવામાં આવે છે, જેમાં નાણાં ધીરનાર જે હોય છે એ સોના ગિરવે મૂકીને વ્યાજ પર પૈસા આપે છે. તેમનો વ્યાજનો દર 1થી 2 ટકાની આસપાસ હોય છે. જ્યારે બજારમાં કોઈ પણ વ્યક્તિ બેન્ક, નાણાં ધીરનાર પાસેથી વ્યાજ પર નાણા પ્રાપ્ત ન થાય એટલે ખાનગી વગ ધરાવતા વ્યક્તિ પાસેથી રૂપિયા વ્યાજ પર લેવામાં આવે છે. તેમાં 5થી 10 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવે છે. ખાનગી વ્યક્તિ પાસે કોઈ વસ્તુ ગિરવે મૂકવી પડતી નથી. જો મૂકવામાં આવે તો ગાડું, મકાન જેવી મિલકતો ગિરવે મુકવાનો વારો આવે છે.
આ પણ વાંચો વ્યાજખોરો સામે સુરત પોલીસનું મેગા ઑપરેશન, એક જ દિવસમાં નોંધાયા 49 ગુના
પોલીસના કર્મચારીઓ ડેટા મગાવાયો રાજ્ય સરકારે વ્યાજ બાબતે તમામ જિલ્લાઓમાં ખાસ ઝૂંબેશ શરૂ કરી છે. ત્યારે ભાવનગર જિલ્લામાંથી પોલીસના જ કર્મચારીઓને જવાનો દ્વારા વ્યાજ વસૂલ કરતા હોવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે ગૃહવિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં જે પણ પોલીસ કર્મચારીઓ વ્યાજ ઉપર પૈસા ફેરવે છે. તે તમામ કર્મચારીઓના ડેટા અને કેટલા કર્મચારીઓ વિરૂદ્ધ વ્યાજખોરીની ફરિયાદ આવી છે. તેનો ડેટા તૈયાર કરવાની સૂચના પણ આપવામાં આવી હોવાનું સૂત્ર તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે આવા પોલીસ કર્મચારીઓ સામે પણ કડકમાં કડક કાર્યવાહી ગૃહ વિભાગ દ્વારા કરાશે.