ગાંધીનગર : ગુજરાત સરકારમાં અનેક સરકારી જગ્યાઓ ખાલી છે અને વિધાનસભા ગૃહમાં પણ અને ખાલી જગ્યા હોવાનું વિગતો સામે આવી હતી. વિધાનસભામાં ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીનો 62 મો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારમાં અનેક વિભાગોમાં સમયસર ભરતી નથી હોવાનું કારણ શું છે તેનો લેખિત જવાબ જીપીએસસીએ આપ્યો છે.
આ છે મોટું કારણ : જીપીએસસીએ લેખિતમાં આપ્યું છે જેમાં સરકારના મોટાભાગના વિભાગોનો ઉદાસીન વલણ અને આયોગને નિયત સમયગાળાની માહિતી પૂરી પાડવામાં આવતી ન હોવાનુું કારણ હોવાની ગંભીર નોંધ જીપીએસસીએ લીધી છે. જ્યારે સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા આંકડા પ્રમાણે અને કોંગ્રેસે કરેલા પ્રશ્નોના જવાબ પ્રમાણે રાજ્યમાં શિક્ષિત બેરોજગારો કુલ 2,70,922 નોંધાયા છે.
આ પણ વાંચો Congress MLA Kirit Patel : રાજ્ય સરકાર આઉટ સોર્સિંગ નોકરીઓ પર જોર આપી રહી છે
નિયમિત માંગણીપત્રકો નથી મળતા : ગુજરાત જાહેર સેવા આયોગના 62માં વાર્ષિક અહેવાલમાં આયોગે જ ટિપ્પણી કરી છે કે કેટલાક કિસ્સામાં હંગામી નિમણૂક નિયત એક વર્ષની સમય મર્યાદા કરતા વધુ સમય સુધી ચાલુ રહેલ છે અને આવી જગ્યા ઉપર નિયમિત ઉમેદવારોની પસંદગી થાય તે માટેના માંગણી પત્રકો આયોગને સમયસર પ્રાપ્ત થતા નથી. જેથી હંગામી નિમણૂકો મર્યાદિત કરવામાં આવે તથા હંગામી નિમણૂકોની નિયમિતતા માટે આયોગ સાથે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે તેવુ સૂચન સરકારને કર્યું છે.
અમુક વિભાગો બિલકુલ માહિતી નથી આપતાં : આ ઉપરાંત જીપીએસસીએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે દ્વારા જે તે કર્મચારીને વધુમાં વધુ 12 માસની મુદત માટે હંગામી નિમણૂક સરકારે આપી શકે છે અને દર ત્રણ માસ પૂરા થાય તે પછીના માસની 20 તારીખ સુધીમાં આવી નિમણૂકની માહિતી આયોગને મળી જાય તે રીતે મોકલવાની સૂચના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ વિભાગોને આપવામાં આવી છે તેમ છતાં પણ આવી માહિતી સમયસર મોકલવામાં આવતી નથી અથવા તો અમુક વિભાગો બિલકુલ મોકલતા જ નથી.
830 ઉમેદવારો પાસ પણ નોકરી નહીં : જીપીએસસી દ્વારા ગુજરાતના મહત્વની જગ્યા ઉપર જાહેર પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે 62માં વાર્ષિક અહેવાલમાં જીપીએસસીએ જ જાહેરાત કરી છે કે કુલ 830 જેટલા ઉમેદવારોએ જીપીએસસી પરીક્ષા આપી હતી અને આયોગે સરકારને ભલામણ કર્યા બાદ છ માસથી વધુ સમય વીતેલો હોવા છતાં પણ સરકાર દ્વારા નિમણૂક આપવાની બાકી છે. એટલે કે 830 જેટલા ઉમેદવારોને હજી સુધી સરકારી નોકરી પ્રાપ્ત થઈ નથી. જેમાં શિક્ષણ વિભાગમાં 04, ઊર્જા પેટ્રોકેમિકલમાં 03, નાણાં વિભાગમાં 49, વન પર્યાવરણ માં 30, સામાન્ય વહીવટી વિભાગમાં 329, આરોગ્ય વિભાગમાં 142, ગૃહ વિભાગમાં 60 માર્ગ મકાન વિભાગમાં 11, કાયદા વિભાગમાં 169 જેટલી જગ્યાઓ માં આયોગની ભલામણો હોવા છતાં પણ સરકારી નિમણૂક આપી નથી.
આ પણ વાંચો છેલ્લાં 1.5 વર્ષથી GPSC પાસ કરેલા ઉમેદવારો નોકરી માટે મારી રહ્યા છે વલખાં, જુઓ ખાસ અહેવાલ...
ખાલી યાદી બાબતે સૂચન : રાજ્યમાં ખાલી પડેલ જગ્યા બાબતે જે તે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે બાબતે પણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સરકારને ખાસ સુચન કરવામાં આવ્યું છે. જેમાં આયોગે લેખિતમાં જણાવ્યું છે કે આયોગનું અવલોકન છે કે સચિવાલયના વિભાગો તરફથી મળતી દરખાસ્ત પ્રમાણે સંવાદમાં ખાલી જગ્યાઓ પડે ત્યારબાદ જ પસંદગી યાદીઓ બનાવવાની કાર્યવાહી હાથ ધરે છે જે નિયમો અનુસાર જણાતું નથી. આથી આયોગ એક વર્ષમાં ખાલી પડનાર જગ્યાઓને ગણતરીમાં લઈને અગાઉથી જ પસંદગી યાદી બનાવવામાં આવે તેવી અપેક્ષા રાખે છે.
ક્યાં કેટલી જગ્યાઓ ખાલી : હાલની પરિસ્થિતિમાં સરકારી મેડિકલ કોલેજમાં 661 જગ્યાઓ ખાલી પડી છે. જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં 823 જગ્યાઓ ખાલી છે અને બાળરોગ નિષ્ણાત ડોક્ટરોની 45 જગ્યાઓ ખાલી પડી છે.
24 અધિકારીઓની પુનઃ નિમણૂક સેવા : ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ 24 ફેબ્રુઆરીએ મુખ્યપ્રધાન હસ્તકના GAD વિશે પ્રશ્ન કર્યો હતો. જેમાં વયમર્યાદા બાદ કેટલા અધિકારીઓ કરાર પર ફરજ પર છે ? પૂછવામાં આવ્યું હતું. તેના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે 31-01-2023ની છેલ્લી પરિસ્થિતિએ સચિવાલયના સામાન્ય વહીવટી વિભાગમાં કરાર પર 27 કર્મચારીઓના નિમણૂક કરવામાં આવી છે. હાલમાં અશોક માણેક, પી. ડી. મોદી અને જે. કે.ખંભાતી નામના 3 અધિકારીઓની સેવા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 25 જેટલા અધિકારીઓ કે જેઓ સચિવ, નાયબ સચિવ, સચિવ સ્ટેનોગ્રાફર, સેક્શન અધિકારી અને નાયબ સક્ષમ અધિકારી કક્ષાના અધિકારીઓે વયનિવૃત્ત હોવા છતાં સરકારી કરાર આધારિત પુનઃ નિમણૂક આપીને તેમની સેવાઓ લેવામાં આવી રહી છે.