ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં કોરોના બાબતે લાલીયાવાડી સામે આવી છે. અગાઉ સ્માર્ટ સિટીની કામગીરી સંભાળતા મહિલા કર્મચારી સંક્રમિત થયા બાદ કચેરીને નિયમિત રૂપે જ ચાલુ રાખવામાં આવી હતી. સદનસીબે તેમાં એક પણ વધારાનો નવો કેસ સામે આવ્યો નહોતો, પરંતુ હવે ગાંધીનગર મહાપાલિકા સિટી ઇજનેર ભરત પંડ્યા પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. જેને લઇને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દવે સહિતના અધિકારી અને ડઝન જેટલા કર્મચારીઓ હોમ કોરેન્ટાઇન થયા છે.
મહત્વનું છે કે, સિટી ઇજનેર છેલ્લા પાંચ દિવસથી કચેરીમાં આવતા ન હતા. આ બાબતની મહાપાલિકાના આરોગ્ય વિભાગને જાણ હોવા છતા તેમના કેસને દબાવી રાખવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમને લઈ આ જોખમ ઉઠાવવામાં આવ્યું હતું. જો કે, સિટી ઇજનેર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા, પરંતુ મહાપાલિકાના સત્તાધીશોને જાણ હોવા છતાં આ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે.
અધિકારીનો રિપોર્ટ પણ આવી ગયો હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા દબાવીને રાખવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સિટી ઇજનેરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ તેઓ છેલ્લા પાંચ દિવસથી કચેરીમાં આવતા ન હતા. જે બાદ કેટલાક અધિકારીઓ સહિત કર્મચારીઓ કોરેન્ટાઇન થયા છે. આ અંગે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ઓછામાં ઓછા 12 જેટલા કર્મચારી કોરેન્ટાઇન થયા છે.