ગાંધીનગરઃ શ્રીમદ ભગવદ ગીતાનો પરિચય, તેનું શિક્ષણ, તેના વિચારો વિદ્યાર્થીકાળથી જીવનમાં ઉતરે તે આવશ્યક છે. તેથી રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં ધોરણ 6થી 8ના અભ્યાસક્રમમાં ગીતાના શિક્ષણનો સમાવેશ કર્યો છે. જેના માટે રાજ્ય સરકારે આજે ગીતા જયંતી પર એક પુસ્તકનું લોકાર્પણ કર્યુ છે. આ પુસ્તકમાં ગીતા વિષયક માહિતી સુંદર રીતે રજૂ કરવામાં આવી છે જેથી ધો.6થી 8ના વિદ્યાર્થીઓ તેને સરળ રીતે ગ્રાહ્ય કરી શકે. ધો.6થી 8ના પુસ્તક બાદ ક્રમશઃ ધો 12 સુધીના બે પુસ્તકો પણ રાજ્ય સરકાર તૈયાર કરાવશે.
2 વર્ષ અગાઉની જાહેરાતઃ ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર-1 હતી ત્યારે તત્કાલીન શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને ગીતાનો અભ્યાસ કરાવાશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાતના 2 વર્ષ બાદ હવે રાજ્ય સરકારે આ જાહેરાતને હકીકતનું સ્વરુપ આપ્યું છે. રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ આજે ગીતા જયંતી નિમિત્તે ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે ગીતા આધારિત પાઠ્ય પુસ્તક રજૂ કર્યુ છે.
ગીતા કોઈ એક ધર્મ પૂરતી મર્યાદિત નથી. ગીતામાં દરેક ધર્મનો સાર છે. તેથી ગીતાના સિદ્ધાંતો વિદ્યાર્થીઓ જાણે અને જીવન તે પ્રમાણે વ્યતીત કરે તે માટે રાજ્ય સરકારનો આ એક પ્રયાસ છે. ગીતા પરનું શિક્ષણ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગી બનશે...કુબેર ડીંડોર(શિક્ષણ પ્રધાન)
આ પુસ્તકમાં ગીતાના શ્લોકોનું સરળ ભાષામાં ટ્રાન્સલેશન આપવામાં આવ્યું છે. આ પુસ્તક માત્ર ભાષાના જ નહિ પરંતુ ગણિત, વિજ્ઞાન ભણતા વિદ્યાર્થીઓને પણ સરળતાથી સમજાશે. અમે ક્રમશઃ ધો.8થી 10 અને ત્યારબાદ ધો.11થી 12 માટે ગીતા આધારિત પુસ્તકો રજૂ કરીશું. ગીતા આધારિત પરીક્ષા પણ લેવામાં આવશે...પ્રફુલ્લ પાનસેરીયા(રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન)